મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

પર્રિકરને શ્રધ્ધાંજલિ આપવા - અંતિમ દર્શન માટે લાઇનો લાગી : મોદી સહિતના દિગ્ગજો ગોવામાં

સવારે ૧૧ વાગ્યાથી પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે રખાયોઃ સાંજે ૫ વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર ભાજપના તમામ કાર્યક્રમો આજે રદ્દ મનોહર પરિકરજીના નિધન થવાથી સેન્ટ્રલ ઇલેકશન કમીટી સહિત ભાજપ દ્વારા આજના તમામ સત્તાવાર કાર્યક્રમો રદ્દ થયા છે

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ ૬૩ વર્ષનાં હતા. તેમના અંતિમ સંસ્કાર સંપુર્ણ રાજકીય સન્માન સાથે સોમવારે પણજી ખાતે કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ સવારે ૦૯.૩૦થી ૧૦.૩૦ વાગ્યા સુધી પણજીની ભાજપ કાર્યાલય ખાતે મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેહને કલા એકેડેમી લઇ જવાયા. અહીં લોકો સવારે ૧૧ વાગ્યાથી માંડી સાંજના ૦૪ વાગ્યા સુધી કલા એકેડેમી ખાતે પર્રિકરનાં અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ઘાંજલી અર્પિત કરી શકશે. સદ્ગતને શ્રધ્ધાંજલિ આપવા ભીડ ઉમટી છે. અંતિમ દર્શન માટે લાઇન લાગી છે.

પર્રિકરની અંતિમ યાત્રા સાંજે ચાર વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે પાંચ વાગ્યે મિરામય ખાતે કરવામાં આવશે. વડાપ્રધાન મોદી પણ બપોરે ૦૧.૩૦ વાગ્યે તેમને શ્રદ્ઘાંજલી અર્પિત કરવા માટે પણજી જશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ૦૨.૩૦ વાગ્યે પણજી પહોંચશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ પણજી જશે. ભાજપે આજે પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

ચાર વખત ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી રહેલા પર્રિકર ફેબ્રુઆરી ૨૦૧૮થી જ કેન્સરથી પીડિત હતા. પર્રિકરનું સ્વાસ્થય બે દિવસ પહેલા જ બગડ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, પૂર્વ સંરક્ષણ મંત્રી પર્રિકર શનિવારે મોડી રાતથી જ વેન્ટીલેટર પર હતા. મુખ્યમંત્રીનું નિધન રવિવારે સાંજે ૦૬.૪૦ વાગ્યે થયું. તેમની પત્નીનું પણ અગાઉ કેન્સરનાં જ કારણે નિધન થઇ ચુકયું છે.

(11:29 am IST)