મુખ્ય સમાચાર
News of Sunday, 18th February 2018

કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ તાજ મહેલના દિદાર કર્યા

પરિવારના સભ્યો સાથે તાજમહેલ જોવા પહોંચ્યા :તાજમહેલની ખુબસુરતી જોઇને ખુબ રોમાંચિત : પરિવાર સાથે મોજમસ્તી પણ કરી : ટ્રુડો અમદાવાદ પણ આવશે

આગરા, તા. ૧૮ : ભારતના પ્રવાસે પહોંચેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આજે આગરા પહોંચ્યા જ્યાં તેઓએ પરિવાર સાથે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલના દીદાર કર્યા હતા. જસ્ટિન ટ્રુડો અહીં પોતાના પરિવારની સાથે પહોંચ્યા હતા. અલબત્ત પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેના સ્વાગત માટે પહોંચ્યા ન હતા. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અહીં પોતાની પત્નિ સોફી ગ્રેગોઇર અને ત્રણ બાળકો ઝેવિયર, ઇલાગ્રેસ અને હેડ્રીની સાથે પહોંચ્યા હતા. સમગ્ર પરિવારની સાથે દુનિયાના સાત અજુબામાં સામેલ તાજમહેલને નિહાળ્યા બાદ મોજમસ્તીના મૂડમાં દેખાયા હતા. અહીંના વિઝિટર્સ બુકમાં પણ નોંધ લખી હતી. દુનિયાના સૌથી ખુબસુરત સ્થળો પૈકીના એક એવા તાજમહેલને જોઇને તેઓ રોમાંચિત થયા છે. કેનેડાના એરફોર્સના વિમાનથી ખેડિયા એરબેઝ પહોંચેલા ટ્રુડોના પરિવારના સભ્યો સીધા તાજમહેલ પહોંચ્યા હતા. વીઆઈપી મૂવમેન્ટના કારણે તાજમહેલમાં સામાન્ય લોકો માટે પ્રવેશ સવારે ૯.૪૦થી લઇને ૧૧.૪૦ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ ગાળા દરમિયાન ટ્રાફિક મુવમેન્ટ પણ ડાઇવર્ટ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજકીય વ્યસ્ત કાર્યક્રમના પરિણામ સ્વરુપે સ્વાગત માટે પહોંચી શક્યા ન હતા. તેમની ગેરહાજરીમાં આગરાના ડીએમ ગૌરવ દયાલ અને કમિશનર કે રામમોહન રાવ કેનેડાના વડાપ્રધાન માટે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રુડો વડાપ્રધાન તરીકે પ્રથમ વખત ભારત આવ્યા છે. છેલ્લા ૧૮ મહિનામાં ટ્રુડો સરકારના ૧૧ પ્રધાનો ભારત આવી ચુક્યા છે. પોતાની સાત દિવસની યાત્રા દરમિયાન ટ્રુડો તાજમહેલ ઉપરાંત હરમંદિર સાહેબ અને ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના દર્શન પણ કરશે.

(9:59 pm IST)