મુખ્ય સમાચાર
News of Sunday, 18th February 2018

બ્રાઝીલમાં એક મૃત મહિલા ૧૧ દિવસ બાદ જીવતી થઇ : ડોકટરોની ઘોર બેદરકારી થઈ છતી

દફનાવી દીધા બાદ કબરમાંથી અવાઝ આવતા વિસ્‍તારવાસીઓએ બહાર કાઢી

બ્રાઝીલ : ડૉક્ટર્સની બેદરકારીને ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મેડિકલ પ્રોફેશનના વ્યાપારીકરણમાં ડૉક્ટર્સ હવે દર્દી અને તેના પરિવારની તમામ સંવેદનાઓને ભૂલવા લાગ્યા છે. આ જ પ્રકારનો એક કિસ્સો બ્રાઝીલમાં રહેનારી એક 37 વર્ષીય મહિલા સાથે બન્યો.

રૉસએન્જેલા અલ્મીડા નામની આ મહિલા થાકની ફરિયાદ લઈને હોસ્પિટલ ગઈ હતી, જ્યાં તેને એડમિડ કરવામાં આવી. એક સપ્તાહ બાદ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી અને પરિવારજનોને તેની બૉડી સોંપી દીધી.

ડેથ સર્ટિફિકેટ અનુસાર અલ્મીડાને પહેલા હાર્ટ એટેક આવ્યા અને બાદમાં સેપ્ટિક શૉકને કારણે 28 જાન્યુઆરી 2018ના રોજ તેનું મૃત્યુ થયું. પરિવારે બીજે દિવસે તેની દફનવિધિ કરી દીધી.

9 ફેબ્રુઆરી 2018ના રોજ સ્મશાનની આજુબાજુ રહેનારા લોકોને કબરમાંથી એક અવાજ સંભળાયો. તેઓએ અચરજ અને ડર સાથે કબર ખોદી અને અલ્મીડાને બહાર કાઢી જોકે, ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું. આના સંબંધિત વીડિયોમાં લોકો એમ્બ્યુલન્સ માટે બૂમો પાડતા દેખાય છે.

કૉફિનને જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે, અલ્મીડાએ બહાર નીકળવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો. કૉફિનની અંદર તેના નખના નિશાન દેખાતા હતા અને અંદર લોહી પણ ઢોળાયેલું હતું.

જોકે, અલ્મીડાનો પરિવાર આ માટે કોઈને દોષ આપવા માગતો નથી. તેમણે કહ્યું કે, અલ્મીડાની સારવાર કરતા ડૉક્ટર્સ દોષી નથી. તેઓ ઈચ્છતા હતા કે, કોઈને તકલીફ ન પહોંચે.

જોકે, આ સંદર્ભે પરિવાર અને પડોશીઓના નિવેદનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી છે.

 

(5:26 pm IST)