મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

અટારી સરહદે આ વખતે પાકિસ્તાન અને ભારત સંયુક્ત પરેડ નહીં થાય

કોરોનાના પ્રતિબંધોની સરહદ પર પણ અસર : ભારત રોજ સરહદ પર ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ કરશે

નવી દિલ્હી, તા. ૧૮ : આ વર્ષે ગણતંત્ર દિવસ પર અટારી બોર્ડર પર સંયુક્ત પરેડ કે બિટીંગ ધ રિટ્રીટ સેરેમની નહીં થાય. પહેલાં પાકિસ્તાન અને ભારત સંયુક્ત પરેડનું આયોજન કરતા હતા. જેને બંને દેશોનાં લોકો જોવા માટે ભારે ઉત્સુક રહે છે. કોરોના પ્રતિબંધોને કારણે આ વખતે અટારી બોર્ડર પર દર્શકોને સાર્વજનિક મંજૂરી આપવામાં આવશે નહીં. સીમા સુરક્ષા બળના એક અધિકારીએ કહ્યું કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પર અટારી બોર્ડર પર કોઈ સંયુક્ત પરેડનું આયોજન કરશે નહીં. કોરોના પ્રતિબંધોને કારણે આ વખતે લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

અધિકારીએ આગળ કહ્યું કે, ભારત રોજ ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ આયોજિત કરશે. કોરોના પ્રતિબંધોને કારણે ૭ માર્ચથી અટારી બોર્ડર પર લોકોને મંજૂરી નથી. સુત્રો અનુસાર પાકિસ્તાને થોડા અઠવાડિયા પહેલાં લોકોને મંજૂરી આપી છે. પાકિસ્તાન સાથેના તણાવપુર્ણ સંબંધોને કારણે ભારતે પાકિસ્તાનને મીઠાઈ આપવાનું પણ બંધ કરી દીધું છે.

ભીષણ ઠંડી અને ધુમ્મસ વચ્ચે સોમવારની સવારે સુરક્ષાદળોએ દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડનું રિહર્સલ કર્યું હતું. આ રિહર્સલમાં ભારતીય સેના અને અર્ધસૈનિક દળના જવાનોની સાથે સ્પેશિયલ ફોર્સનું ગ્રૃપ પણ સામેલ હતું. રિહર્સલ દરમિયાન તમામ જવાનો માસ્કમાં જોવા મળ્યા હતા. રિહર્સલ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

(9:05 pm IST)