મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનપદે વડાપ્રધાન નરેન્દ્રભાઈની વરણી

સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણંય : કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું

રાજકોટ : જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની વરણી થઈ છે. આજે સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ બે વખત જે અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલત્વી રહી હતી.

ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે 6:30 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડાની દર ત્રણ મહિને મળતી રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી હતું. જેથી નવા ચેરમેનની નિમણુંક કરવા માટે પ્રથમ તા.11 જાન્યુ. બાદ તા.13 જાન્યુ. બેઠક મળનાર હતી. જે બંન્નેે બેઠક અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રહયા બાદ આજે સાંજે બેઠક મળી હતી. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટીના નવા ચેરમેનના પદે વડાપ્રધાન મોદીની નિમણુંક થયાની જાહેરાત થઇ છે.

(8:00 pm IST)