મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

મીડિયાએ ગુનાહિત કેસની તપાસ ચાલતી હોય ત્યારે તે અંગે ચર્ચાઓ કરવાનું ટાળવું જોઈએ : આરોપીઓ અને સાક્ષીઓના હિત ન ઘવાય તે રીતે પત્રકારિત્વ ધર્મનું પાલન કરવું જોઈએ : બોમ્બે હાઇકોર્ટ

ન્યુદિલ્હી : તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટએ સુશાંત રાજપૂત કેસ મામલે ચાલી રહેલી તપાસ વિષે મીડિયા ઉપર થઇ રહેલા સંવાદો અને ચર્ચાઓ અંગે ટકોર કરતા જણાવ્યું છે કે મીડિયાએ ગુનાહિત કેસની તપાસ ચાલતી હોય ત્યારે તે અંગે ચર્ચાઓ કરવાનું ટાળવું જોઈએ . તેમજ આરોપીઓ અને સાક્ષીઓના હિત ન ઘવાય તે રીતે પત્રકારિત્વ ધર્મનું પાલન કરવું જોઈએ.
 
નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે ખાસ કરીને આત્મહત્યા અને અવસાન બાબતે પોલીસ તપાસ ચાલતી હોય ત્યારે મીડિયાએ પ્રેસ કાઉન્સિલ  ઇન્ડિયા તથા કેબલ ટીવી એક્ટની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.
કોર્ટએ ઉમેર્યું હતું કે સુશાંત રાજપૂત કેસ મામલે ટાઈમ્સ નાવ અને રિપબ્લિકન ટીવી મીડિયા દ્વારા થયેલી ટીકા ટિપ્પણો અયોગ્ય હતી તેમછતાં કોર્ટએ હસ્તક્ષેપ કરવાનું ટાળ્યું હતું.ઉપરાંત મિનિસ્ટરી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ પણ ફરજ ચૂક્યું હતું.

બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત અવસાન અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન મીડિયા દ્વારા થઇ રહેલા સંવાદો તથા ચર્ચાઓ વિરુદ્ધ કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી દિપાંકર દત્તા  તથા જસ્ટિસ શ્રી જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે ચુકાદો આપતા ઉપરોક્ત બાબતે ટકોર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)