મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

ગુજરાતમાં મંગળ, ગુરૂ, શુક્ર, શનિ રસીકરણ કાર્યક્રમ

કેન્દ્ર સરકારે બદલાવી રણનીતિઃ દરેક રાજ્ય માટે કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમ જાહેર કર્યો : યુપી જેવા રાજ્યોમાં સપ્તાહમાં માત્ર બે દિવસ જ રસીકરણનું અભિયાનઃ મિઝોરમમાં ૫ દિવસ તો આંધ્રપ્રદેશમાં સપ્તાહમાં ૬ દિવસ રસીકરણનો કાર્યક્રમ ચાલશે

નવી દિલ્હી, તા. ૧૮ :. કેન્દ્ર સરકારે હવે રસીકરણ માટેની રણનીતિ બદલાવી છે અને હવે દરેક રાજ્ય માટે રસીકરણનો દિવસ નક્કી કરી દીધો છે. સરકારે આ પગલુ એટલા માટે ઉઠાવ્યુ છે કે બીજી સ્વાસ્થ્ય સેવા પર અસર ન પડે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટેનો કાર્યક્રમ પણ જારી કર્યો છે. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કયારે - કયારે હેલ્થ વર્કર્સને રસી મુકાશે તેની માહિતી આપવામાં આવી છે. મોટા રાજ્યોમાં સપ્તાહમાં ૪ દિવસ રસીકરણ થશે જ્યારે નાના રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ રસીકરણનો કાર્યક્રમ ચાલશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૪ દિવસ રસીકરણ ચાલશે. મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના દિવસે રસીકરણનુ કામ થશે.

ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ગોવામાં સૌથી ઓછા બે દિવસ અને આંધ્રમાં સૌથી વધુ સપ્તાહમાં ૬ દિવસ રસી લાગશે. આ દરમિયાન બીજા દિવસે રવિવારે ૬ રાજ્યોમાં ૫૫૩ સત્રોમાં રસીકરણ અભિયાન ચાલ્યુ. જેમાં ૧૭૦૭૨ લાભાર્થીઓને કોવિડ રસી આપવામાં આવી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં અપર સચિવ મનોહર અગનાનીએ જણાવ્યુ હતુ કે પહેલા રાજ્યોને સપ્તાહમાં ૪ દિવસ અભિયાન ચલાવવા જણાવાયુ હતુ પરંતુ બાદમાં બીજી સેવાઓને અસર ન પડે તેથી કાર્યક્રમ બદલાવાયો છે. આંધ્રમાં ૬ દિવસ તો મીઝોરમમાં ૫ દિવસ રસી લગાવાશે.

યુપીમાં ગુરૂ-શુક્ર, હિમાચલ સોમ-મંગળ, બિહાર સોમ, મંગળ, ગુરૂ, શનિ, હરીયાણા સોમ, મંગળ, ગુરૂ, શુક્ર, જમ્મુ કાશ્મીર સોમ, મંગળ, ગુરૂ, શુક્ર, ઝારખંડ સોમ, મંગળ, બુધ, શુક્ર, મધ્યપ્રદેશ સોમ, બુધ, ગુરૂ, શનિ, પંજાબ સોમ, મંગળ, ગુરૂ, શુક્ર, રાજસ્થાન સોમ, મંગળ, શુક્ર, શનિ, ઉત્તરાખંડ સોમ, મંગળ, ગુરૂ, શુક્ર, બંગાળ સોમ, મંગળ, શુક્ર, શનિ, મહારાષ્ટ્ર મંગળ, બુધ, શુક્ર, શનિ, છત્તીસગઢ સોમ, બુધ, ગુરૂ, શુક્ર રસી લાગશે.

તેમણે કહ્યુ હતુ કે, અરૂણાચલ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિવ, દમણ, દિલ્હી, ગુજરાત, હરીયાણા, જમ્મુ કાશ્મીરમાં સપ્તાહમાં ૪ દિવસ તો ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, પોન્ડીચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તામીલનાડુ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડ અને બંગાળમા પણ ૪ દિવસ રસીકરણ ચાલશે. ગોવા, યુપી અને હિમાચલમાં સપ્તાહમાં ૨ દિવસ રસીકરણ ચાલશે.

(10:35 am IST)