મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

ટપાલીની ગંભીર ભૂલનો ભોગ બન્યા અનેક લોકો

ઘોર બેદરકારી... કોઇ આધાર કાર્ડની રાહ જોતું'તું તો કોઇ પરિક્ષાની રિસિપ્ટનીઃ ટપાલીએ બધુ નાખ્યુ ગટરોમાં

મથુરા, તા.૧૮: કોઈ પોતાના આધાર કાર્ડ આવવાની રાહ જોઈ રહ્યુ હતું તો અનેક યુવાનો સીઆરપીએફમાં ફિઝિકલ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે, પોસ્ટમેને આ બધાના સપનાંઓ પર ઠંડુ પાણી રેડ્યુ હતું. મથુરા જિલ્લાના એક પોસ્ટમેને ટપાલ વિતરણ કરવાના બદલે તેને ગામની બહાર એક ગટરમાં જ વહેવડાવ્યા હતાં. જોકે, થોડો સમય રહેતા ગામના કેટલાક લોકોએ આ બધા જ ડોકયુમેન્ટને જોયા અને તેમણે જિલ્લાના કલેકટરને આ બાબતે ફરિયાદ કરી હતી.

ભરતપુર રોડ સ્થિત ધનગામ સાથે જ ચારથી પાંચ ગામો રહેલા છે. આ ગામના કેટલાક યુવાનોએ સીઆરપીએફમાં ભરતી માટે ફોર્મ ભર્યા હતાં અને તેમના ફિઝિકલ ટેસ્ટ માટે ટપાલ વિભાગ દ્વારા એડમિટ કાર્ડ આવવાના હતાં. જોકે, આ દરમિયાન ગામના ટપાલીએ દરેક પત્રો અને જરુરી ડોકયુમેન્ટને લોકોના દ્યરે પહોંચાડવાના બદલે ગટરમાં ફેંકી દીધા હતાં.

જયારે લોકોના ઘરે જરુરી ડોકયુમેન્ટ્સ ન પહોંચ્યા તો તેમની તલાશ શરુ થઈ હતી. મોટી વાત તો એ છે કે ફિઝિકલ ટેસ્ટની ચીઠ્ઠીઓને લઈને ઈન્શ્યોરન્સના કાગળ સુધી લોકોના દ્યરે કશું જ પહોંચ્યુ નહીં. આથી અનેક લોકોને ખ્યાલ જ ન આવ્યો કે આખરે તેમને ટેસ્ટ માટે જવાનું કઈ જગ્યાએ છે?

અનિલ કુમાર નામના યુવકે જણાવ્યું કે થોડા દિવસોમાં જ સીઆરપીએફની ફિઝિકલ ટેસ્ટ થવાની છે. જોકે, તેમના પ્રવેશપત્રને ટપાલીએ ગટરમાં વહેવડાવ્યા હતાં. એક અન્ય વિદ્યાર્થીએ પણ કહ્યું કે પરીક્ષામાં પાસ થયા પછી પણ જો ફિઝિકલ ટેસ્ટ માટે ડોકયુમેન્ટ્સ ન મળ્યા તો ટપાલીની આવી ભૂલના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે.

(9:53 am IST)