મુખ્ય સમાચાર
News of Saturday, 18th January 2020

૨૭મીથી મુંબઇમાં મોલ્સ, રેસ્ટોરન્ટ, દુકાનો ૭ દિવસ ૨૪ કલાક ખુલ્લાં રહેશે

અમેરિકા-બ્રિટનની જેમ અડધી રાત્રે પણ કરી શકાશે ખરીદી

મુંબઇ, તા.૧૮: સત્તાવાળાએ હવે નિર્ણય લીધો છે કે મુંબઇમાં મોલ્સ, મલ્ટિપ્લેકસ, દુકાનો અને રેસ્ટોરન્ટ શરાબ સર્વ કર્યા વિના સપ્તાહમાં તમામ દિવસ ૨૪ કલાક માટે ખુલ્લા રહી શકશે. મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું કે ગેટેડ કોમ્યુનિટી અને બિનરહેણાક વિસ્તારમાં આવેલા મોલ્સ, રેસ્ટોરન્ટ વગેરે ૨૭ જાન્યુઆરીથી સપ્તાહના સાતેય દિવસ ૨૪ કલાક માટે ખુલ્લા રહી શકશે.

ગુરુવારે રાજયના પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરેએ બોલાવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના અધ્યક્ષ અને પોલીસ કમિશનર સંજય બર્વે પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં શોપિંગ મોલ્સ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર આ અંગેનું જાહેરનામંુ તો વર્ષ પહેલાં જ બહાર પાડી ચૂકી હોવાથી માલિકો ૨૭ જાન્યુઆરી પહેલાં પણ આ નિર્ણયનો લાભ લઇ શકે છે.

આ નિર્ણયને પગલે શહેરમાં આવેલા ૨૫ જેટલા મોલ્સ અને સંખ્યાબંધ દુકાનો અને રેસ્ટોરન્ટ બંધ થયા વિના સતત બિઝનેસ કરી શકશે. જોકે બિઝનેસ ૨૪ કલાક ચાલુ રાખવો કે નહીં તેનો નિર્ણય પોતાને મળતા લાભ આધારે દુકાન માલિકે લેવાનો છે. દુકાન માલિક એ પણ નક્કી કરી શકશે કે કયા દિવસે તે પોતાની દુકાન ૨૪ કલાક ખુલ્લી રાખવા માંગે છે.

ગેટેડ કોમ્યુનિટીને મળશે નિર્ણયનો લાભ  ગેટેડ કોમ્યુનિટી અર્થાત એવા સ્થાનો કે જે સીસીટીવી સર્વેલન્સથી સજ્જ હોય, પાર્કિંગ સુવિધા ધરાવતા હોય અને સ્થાન પર આવતા લોકોની સુરક્ષાની ખાતરી આપતા હોય, જયાં ઘોંઘાટને બહાર જતાં રોકી શકાતો હોય તેવા સ્થાનો. અધિકારીએ જણાવ્યું હતું કે ખાસ કરીને મનોરંજન અને ફૂડ પ્લાઝા જેવી ગેટેડ કોમ્યુનિટી ૨૭ જાન્યુઆરીથી ૨૪ કલાક ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવી છે. માલિકોને ફાયર સેફ્ટી અને મુલાકાતીઓની સુરક્ષા જાળવવા પણ ચેતવણી આપવામાં આવી છે.(૨૩.૬)

(10:11 am IST)