મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

પગારદાર વર્ગ માટે ખુશખબર : આ વર્ષે ૧૦% પગાર વધશે

૨૦૧૮માં ૯ ટકા હતો : આ વર્ષે ૧% વૃધ્ધિ : મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ફર્મનો અંદાજ

મુંબઈ તા. ૧૮ : પગારદાર વર્ગ માટે સારા સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે તેઓનો પગાર ૧૦% વધી શકે છે. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ કોર્ન ફેરીના અંદાજ મુજબ આ વર્ષે ઈન્ડિયામાં પગારદારોની સેલેરી ૧૦ ટકા વધી શકે છે. ૨૦૧૮માં આ પગારવધારો ૯ ટકા જેટલો હતો. મોંઘવારી આધારિત પગાર ૪.૭ ટકાથી વધી ૫ ટકા થઈ શકે છે.

આખા એશિયામાં સૌથી વધારે પગાર ભારતમાં વધે છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં પગારવધારાનો દર ડબલ છે. એશિયામાં સેલેરી ગયા વર્ષે ૫.૪ ટકા જેટલી વધી હતી જે આ વર્ષે ૫.૬ ટકા જેટલી થવાની શકયતા છે. ભારતમાં આર્થિક વિકાસ ઝડપી હોવાને કારણે અહીં પગારમાં પણ બીજા દેશોની સરખામણીએ સારો એવો વધારો થાય છે.

કોર્ન ફેરી ઈન્ડિયાના ચેરમેન અને રિજનલ મેનેજિંગ ડિરેકટર નવનીત સિંહે જણાવ્યું, 'પગારનો ઘણો મદાર ફૂગાવા પર રહેલો હોય છે. અમારી સલાહ છે કે કંપની દૂરનું વિચારી તેમની બિઝનેસ સ્ટ્રેટજી નક્કી કરે. ઓટોમેશન અને નવી ટેકનોલોજીનો વપરાશ વધતા સ્કિલ્ડ વર્કર્સની માંગમાં ધારો થયો છે. કંપનીઓએ વળતર અંગે પણ સમયાંતરે ફેરવિચાર કરવો જોઈએ અને બિઝનેસ માર્કેટ જે પ્રમાણે બદલાય છે તે મુજબ પગાર ભથ્થા નક્કી કરવા જોઈએ.'

મિડલ ઈસ્ટમાં પગાર ૩.૬ ટકા વધવાની શકયતા છે. પેસિફિક વિસ્તારમાં ૨.૫ ટકા પગાર વધવાની શકયતા છે. પૂર્વ યુરોપમાં ૬.૬ ટકા અને યુ.કેમાં ૨.૫ ટકા પગાર વધી શકે છે. ફ્રાન્સ અને જર્મનીમાં ૦.૫ ટકા અને ૧ ટકા જટલો પગાર વધારો થઈ શકે છે. સૌથી વધુ પગાર આફ્રિકામાં અને ઈજિપ્તમાં વધવાની શકયતા છે જે અનુક્રમે ૭.૭ ટકા અને ૧૫ ટકા જેટલો છે. લેટિન અમેરિકામાં ૪.૬ ટકા અને નોર્થ અમેરિકામાં ૨.૮ ટકા પગાર વધી શકે છે. અમેરિકામાં સરેરાશ ૩ ટકા પગાર વધારો થવાની શકયતા છે.

(3:44 pm IST)