મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

તામિલનાડુમાં પૉન્ગલ મહોત્સવ ;જલ્લીકટ્ટૂમાં એક દર્શકનું મોત :100વધુ ઘાયલ

જલ્લીકટ્ટૂ જોતી વેળાએ ૪પ વર્ષીય વ્યક્તિ ખૂબ ઉશ્કેરાઈ જતા તેનું હૃદય બંધ થઈ ગયું

ચેન્નઈ: તામિલનાડુમાં ૧પ જાન્યુઆરીથી શરૂ થયેલા પોંગલ મહોત્સવ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલ જલ્લીકટ્ટુ દરમિયાન એક દર્શકનું મોત થયું છે અને ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટએટેકના કારણે દર્શકનું મોત થયું હતું. આ ઉપરાંત બળદ બેકાબૂ બની જતાં ૧૦૦થી વધુ લોકો ઘવાયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં પણ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં પોંગલના મહોત્સવ દરમિયાન જલ્લીકટ્ટુ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે.

 જલ્લીકટ્ટુ રમતના લોકપ્રિય આયોજન સ્થળ ગણાતા અલંગનલ્લુર ખાતે આ ઘટના બની હતી. હરીફાઈ જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા અને મૃતક દર્શક પણ તેમાં સામેલ હતો. ૪પ વર્ષીય આ વ્યક્તિ રમત જોતાં જોતાં ખૂબ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેનું હૃદય બંધ થઈ ગયું હતું.

(1:30 pm IST)