મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

અમેરિકામાં ભારતની ટિકા કરનાર કોમેડિયન વીર દાસ સામે ફરિયાદ

દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમજ મુંબઈમાં દાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

નવી દિલ્હી : સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને અમેરિકાના લાઇવ શોમાં ભારતની ટિકા કરવું ભારે પડ્યું છે. યુએસમાં તેણે ‘આઈ કમ ફ્રોમ ટુ ઇન્ડિયાઝ’ નામની કટાક્ષ સાથેની કવિતા કરી હોવાથી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. વીર દાસે પોતાની કવિતામાં ભારતનાં વિરોધાભાસી લક્ષણો વ્યક્ત કરતી લાઇન્સનું પઠન કર્યું. આ કવિતાનો છ મિનિટનો વીડિયો એણે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી શેર કર્યો અને દેશનું અપમાન કરવાના આરોપ સાથે ઉગ્ર વિરોધ થવા લાગ્યો. વીર દાસ સામે દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ મુંબઈમાં પણ દાસ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. વીર દાસે અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા 'જ્હોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં પોતાના સ્ટેન્ડઅપ એક્ટમાં કવિતાનું પઠન કર્યું હતું. 

બોમ્બે હાઈ કોર્ટના એડવોકેટ આશુતોષ જે. દુબેએ કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેની એક કોપી તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મેં કોમેડિયન વીર દાસ વિરુદ્ધ અમેરિકામાં ભારતની છબિ ખરાબ કરવાને લઈને ફરિયાદ નોંધાવી છે. તેને જાણી જોઈને ભારત, ભારતીય મહિલાઓ અને ભારતના PM સામે લોકોને ઉશ્કેરવા માટે અપમાનજનક નિવેદન આપ્યું છે.’

વીર દાસના વાયરલ વીડિયોમાં તેણે જણાવ્યું કે, તે બે ભારતથી આવે છે, જ્યાં ભારતીય પુરૂષો દિવસે મહિલાઓની પૂજા કરે છે અને રાત્રે તેઓ ગેંગરેપ કરે છે. આ પ્રકારની લાઈન્સને લીધે વીર દાસને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને ભાજપના નેતાઓએ પણ વીર દાસ વિરુદ્ધ હલ્લા બોલ કર્યું હતું. તેમણે વીર દાસને ટેગ કરતા જણાવ્યું કે, જ્યારે તમે તમામ ભારતીય પુરૂષોને રેપિસ્ટ ગણાવો છો, તો તેનાથી ભારતીયો વિરુદ્ધ જાતિવાદ અને બુલિંગમાં વધારો થાય છે. બંગાળમાં ભયંકર દુકાળ બાદ ચર્ચિલે કહ્યું હતું કે, ભારતીયો સસલાની જેમ પ્રજનન કરે છે, આવી રીતે જ મરશે. સમગ્ર જાતિને નિશાન બનાવતું આ પ્રકારનું નિવેદન સોફ્ટ ટેરરિઝમ છે..આવા ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ. 

(11:23 pm IST)