મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

અફઘાનિસ્તાને એક જ મહિનામાં 70થી વધુ તાલિબાની કમાન્ડર અને 152 પાકિસ્તાની લડાકુઓનો સફાયો કર્યો

તાલિબાની આતંકવાદ સામે ઝઝૂમી રહેલા અફધાનિસ્તાને સૈન્ય કાર્યવાહી

કાબુલ:તાલિબાની આતંકવાદ સામે ઝઝૂમી રહેલા અફધાનિસ્તાને સૈન્ય કાર્યવાહી કરતા એક જ મહિનામાં 70 તાલિબાની કમાન્ડરોનો ખાતમો કરી નાખ્યો હતો. રવિવારે અફઘાન ઇન્ટિરિયર અફેર્સ વિભાગે એક યાદી બહાર પાડતા એલાન કર્યુ હતું કે હેલમંદ અને કાંધારમાં આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. મંત્રાલયના નિવેદન મુજબ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી હુમલાઓના જવાબમાં અફઘાની સુરક્ષાદળોએ આ મિશન હાથ ધર્યુ હતું.

યાદી મુજબ માર્યા ગયેલા 70 તાલિબાની કમાન્ડરોમાંથી 20 હેલમંદના અલગ-અલગ વિસ્તારોમાં 45-100 આતંકીઓના સમૂહનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે 40 જેટલા કમાન્ડર કાંધારમાં માર્યા ગયા હતા

અફઘાન પ્રશાસન મુજબ અપાયેલી માહિતી મુજબ હેલમંદમાં માર્યા ગયેલા 10 કમાન્ડર ઉરુજગા, કાંધાર અને ગજનીથી આવ્યા હતા. અફઘાન સરકારે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે હેલમંદ પ્રાંતમાં ઓછામાં ઓછા 152 પાકિસ્તાની લડાકુઓ માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાનની સરકાર મુજબ તાલિબાની આતંકીઓ વિરુદ્ધ સેના કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે, જોકે મંત્રાલયે એવો દાવો પણ કર્યો હતો કે તાલિબાનને પાઠ ભણાવી દેવાયો હતો. અફઘાન સરકારના આંકડા એમ પણ દર્શાવે છે કે, વિતેલા 25 દિવસમાં તાલિબાની આતંકીઓના હુમલામાં ઓછામાં ઓછા 134 નાગરિકોના મોત થયા અને 289 ઘાયલ થયા હતા.

(8:52 pm IST)