મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

જાહેર હિતમાં હોય તેવી બાબત મીડિયાએ પ્રગટ કરવી જ જોઈએ : લોકોને નુકશાન થતું અટકાવવા માટે ચોથી જાગીર સમાજના જાગૃત પ્રહરી સમાન છે : કેરળના અખબાર મલાયલ મનોરમા વિરુદ્ધ દાખલ કરાયેલા બદનક્ષીના દાવા અંગે કેરલ હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

કેરલ : તાજેતરમાં કેરલ હાઇકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા જણાવ્યું હતું કે જાહેર હિતમાં હોય તેવી બાબત મીડિયાએ પ્રગટ કરવી જ જોઈએ .લોકોને નુકશાન થતું અટકાવવા માટે  ચોથી જાગીર સમાજના જાગૃત પ્રહરી સમાન છે .

કેરળના સુપ્રસિદ્ધ  દૈનિક  મલાયલ મનોરમા વિરુદ્ધ  બદનક્ષીનો દાવો કરાયો હતો.જેમાં જણાવાયા મુજબ ફરિયાદી  સામે થયેલી વિજિલન્સ તપાસની હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી ત્યાર પહેલા અમને આરોપી ગણાવી દઈ અખબારે આ બાબતને પ્રસિદ્ધિ આપી અમારી આબરૂને નુકશાન પહોચાડ્યું છે.

જેના અનુસંધાને નામદાર જજશ્રી પી.સોમરાજને જણાવ્યું હતું કે ફરિયાદીને આરોપી તરીકે ગણાવાયા છે તે વાત સાચી છે.પરંતુ અખબારમાં પ્રસિદ્ધ કરાયેલો અહેવાલ વિજિલન્સ તપાસની ખરી હકીકત દર્શાવતો અહેવાલ છે.

ન્યાયાધીશ સોમરાજને જણાવ્યું હતું કે, જરૂરી ટિપ્પણીઓ સાથે પ્રકાશિત થયેલા સમાચાર, કેટલીકવાર તિરસ્કારજનક હોવા છતાં, તે આઈપીસી કલમ 499  હેઠળ નિર્ધારિત મુજબ બદનક્ષી ગણી શકાય નહીં. સિવાય કે તેમાં સદભાવનાનો અને જાહેર હિતનો અભાવ હોય .

અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ  બદનામીના ગુનાને આકર્ષિત કરશે નહીં . કેસ રદ કરતાં કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે અરજદારે કરેલી ફરિયાદ  ખરેખર ચોથી જાગીરને  સોંપાયેલ ગૌરવપૂર્ણ કામગીરીને અટકાવવા સમાન છે. તેમજ કોર્ટની પ્રક્રિયાના  દુરુપયોગ સમાન હોવાથી તે રદ કરવાપાત્ર છે. તેવું  ધ લીફલેટ દ્વારા જાણવા મળે છે.

(2:19 pm IST)