મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

માનવમાં હજી જોવા મળતો અનુવાંશિક ફેરફાર

ક્રમિક વિકાસ થઇ રહ્યાનો ડો. સ્કેલીનો દાવો : પ્રજનનમાં અનિયમિતતા અને જેનેટીક મ્યુટેશન આ માટે જવાબદાર

નવી દિલ્હી : કેમ્બ્રીઝ વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ કરેલ એક અવલોકન મુજબ માનવમાં હજી અનુવાંશિક ફેરફારની પ્રક્રિયા ચાલુ છે. ડો. એલ્વીન સ્કેલીનું કહેવુ છે કે જયા સુધી માનવ પ્રજનનમાં અનિયમિતતા અને જેનેટીક મ્યુટેશન જોવા મળશે ત્યાં સુધી એક પેઢીથી બીજી પેઢી સુધી આ ફેરફારો ચાલુ રહેશે. એટેલે કે ઇવોલ્યુશનની આ પ્રક્રિયા કયારેય નહીં અટકે. પર્યાવરણ આપણા માટે બિલકુલ ઉપયુકત હોય તો પણ આપણે વિકસિત થતા રહીશુ.

પ્રકૃતિની સૌથી ઉન્નત પ્રજાતિના રૂપમાં મનુષ્ય દુનિયાના લગભગ ખુણે ખુણે વસી ચુકયો છે. આ વિકાસક્રમની લાંબી યાત્રામાં આપણે એવી ટેકનીક અને સંસ્કૃતિ વિકસાવી છે કે જેનાથી પુરી દુનિયાને આપણા જેવી જ બનાવી નાખી છે. પરંતુ પ્રકૃતિ હંમેશા શ્રેષ્ઠતમને જ પસંદ કરે છે. શું આ સિધ્ધાંત આજેય મનુષ્યને લાગુ પડે છે? શું માનવ આજે પણ વિકસીત થઇ રહ્યો છે. આવા સવાલોનો જવાબ મેળવવા ૧૨ વિશેષજ્ઞોએ મથામણ કરી હતી.

આ સંશોધનના આધારે વિજ્ઞાનિકોએ એવુ જાહેર કર્યુ કે હજી પણ માનવમાં વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે. સમય સાથે આબાદીનો ક્રમિક વિકાસ થઇ રહ્યો છે.

માનવના સંદર્ભમાં વિકાસ (ઇવોલ્યુશન) માત્ર નેચરલ સિલેકશન પર નિર્ભર નથી રહેતો. આદીમાનવ મૈમથથી બચવા ખુબ તેજ દોડ લગાવી શકતા હતા. આબાદી વધારી શકતા હતા.   આ છે પ્રાકૃતિક પસંદગી. જો કે આ દરમિયાન એક વિકસીત થઇ રહેલ પ્રજાતિના રૂપમાં માનવ તેજ ગતિથી દોડી શકવા સક્ષમ બની રહ્યા હતા. આ છે વિકાસ.

અહીં એવું પણ જાણવા મળ્યુ કે નેચરલ પસંદગી માટે કઇક દબાણ મોટો ભાગ ભજવે છે. જેમ કે આદીમાનવો ખુબ તેજ ગતિથી દોડી શકતા. પરંતુ આ દોડવા માટેનું જોમ તેમને મેમથથી બચવા માટે આવતુ હતુ. વળી શું પસંદગીનું દબાણ ન હોય તો શું વિકાસ ન થાય? તેવા સવાલનો ઉત્તર આપતા આ વિજ્ઞાનિકો કહે છે કે વાસ્તવમાં એવુ કઇ નથી. બદલાવ તો નિરંતર ચાલુ રહેશે.

શોધકર્તાઓએ આપણા કાંડાના નીચેના હિસ્સામાં અતિરિકત રકત ધમની શોધી કાઢી છે. જે ૧૮૮૦ ના દશકાના માનવોમાં ૧૦% સુધી વિકસી હતી. જયારે આજના માનવોમાં ૩૦% વિકસીત જોવા મળે છે. આ એક મજબુત પુરાવો છે કે માનવે હજુ વિકાસની ગતિ ચાલુ રાખી છે.

ઇલિનોઇસ વિશ્વવિદ્યાલયના માનવ વિજ્ઞાની પ્રોફેસર સ્ટેનલી એમ્બ્રોસનું કહેવુ છે કે સમયની સાથે જીનમાં આવતા વેરીયન્ટના અનુપાતમાં થતુ કોઇપણ પરિવર્તન એક વિકાસ જ ગણાય. કેટલાક જીન પ્રાકૃતિક પસંદગીથી પ્રભાવિત થાય છે. ત્યારે આપણા ડીએનએમાં થતા અન્ય ફેરફારમાં આપણા ઉપર કોઇ સ્પષ્ટ પ્રભાવ જોવા મળતો નથો.

(1:32 pm IST)