મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને મળી મોટી રાહત : ચૂંટણી રદ્દ કરવા આદેશ આપવાનો સુપ્રિમકોર્ટનો ઈન્કાર

ગંભીર ગુન્હામાં જેની સામે ચાર્જસીટ દાખલ થયેલી હોય તેવા ધારાસભ્યો અને સંસદસભ્યની ચૂંટણી રદ કરવા માંગ કરતી અરજી પર સુપ્રીમકોર્ટે કહ્યું આ કામ સંસદનું છે

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે એક અરજી પર સુનાવણી બાદ ધારાસભ્યો અને સાંસદોની સદસ્યતા રદ્દ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે.

આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એવા સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવે, જેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ મામલે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આ મામલે NGO લોકપ્રહરીની અરજી પર સુપ્રીમ કોર્ટે  આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ કામ સંસદનું છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની ધરાવતી પીઠે આ મામલે દાખલ અરજી પર સુનાવણીનો ઈન્કાર કરતાં કહ્યું કે, આ કામ સંસદનું છે. અમે પાર્લામેન્ટના જે અધિકારો છે, તેમાં દખલ નથી આપવા માંગતા.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અરજકર્તાએ કહ્યું હતું કે, રાજનીતિમાં ગુનાખોરી ખતમ કરવી જોઈએ. એવા સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવી જોઈએ, જેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ  કરવામાં આવી છે અને તેમને 5 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય.

કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, એવા આરોપી કે જેના વિરુદ્ધ 5 વર્ષ કે તેથી વધુ સજા મામલે ચાર્જશીટ દાખલ તઈ ચૂકી છે તો તેના ચૂંટણી લડવા  ઉપર પણ પ્રતિબંધ મૂકાવો જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટે  અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

અરજકર્તાનું કહેવું છે કે, સંસદમાં સતત એવા સાંસદોની સંખ્યા વધી રહી છે, જેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં હોય. 33 ટકા સાંસદો એવા છે, જેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે.

(12:28 pm IST)