મુખ્ય સમાચાર
News of Sunday, 17th November 2019

અનિલ અંબાણીનું આરકોમ ડિરેક્ટરના પદથી રાજીનામુ

અન્ય ચાર અધિકારીઓ પણ રાજીનામા આપ્યાઃ બીજા ત્રિમાસિક ગાળામાં ૩૦૧૪૨ કરોડનું ભારે નુકસાન

નવી દિલ્હી, તા. ૧૬: બીજા ત્રિમાસિક ગાળામાં ૩૦૧૪૨ કરોડ રૂપિયાના ભારે ભરકમ નુકસાન બાદ અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. અનિલ અંબાણીની સાથે મોટા હોદ્દા પર રહેલા ચાર અન્ય અધિકારીઓ પણ રાજીનામા આપી દીધા છે. રિલાયન્સ કોમ્યુનિકેશન હાલમાં ઇન્સોલવેંસી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. કંપનીની સંપત્તિ વેચાનાર છે. શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કરાની, મંજરી કેકર અને સુરેશ રંગાચરે ડિરેક્ટર પદથી રાજીનામા આપી દીધા છે. થોડાક દિવસ પહેલા જ મણિકાંતનને પણ ડિરેક્ટર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસના હોદ્દાથી રાજીનામુ આપી દીધુ હતું. શુક્રવારના દિવસે રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા તેના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીને ૩૦૧૪૨ કરોડ રૂપિયાની જંગી નુકસાન થયું હતું. આ રિપોર્ટ આવ્યા બાદ આરકોમના શેર ૩.૨૮ ટકા ઘટીને ૫૯ પૈસા થઈ ગયા હતા. છેલ્લા વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીને ૧૧૪૧ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. કોઈ સમય દુનિયાના અમીરોમાં છઠ્ઠા નંબરે રહેલા અને હવે કંપનીઓ વેચાઈ ગયા બાદ અનિલ અંબાણી અર્શ પરથી ફર્શ ઉપર આવી ગયા છે. શનિવારના દિવસે તેઓએ પોતાની મુખ્ય કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું હતું. ૨૦૦૮માં અનિલ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ તરીકે હતા. પરંતુ સતત નુકસાનના પરિણામ સ્વરૂપે આરકોમના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી છે. જાણકાર લોકોના કહેવા મુજબ રિલાયન્સ કોમ્યુનિકેશનની શરૂઆત ૨૦૦૨માં થઈ હતી.

અનિલ અંબાણીએ સીડીએમએ ટેકનોલોજીની પસંદગી કરી હતી. જ્યારે તેમની હરીફ કંપની એરટેલ, હચ મેક્સ દ્વારા જીએસએમ ટેકનોલોજીની પસંદગી કરી હતી. સીડીએમએ ટેકનોલોજીની સૌથી મોટી સમસ્યા એ હતી કે તે માત્ર ટુજી અને ત્રીજીને સપોર્ટ કરતી હતી. જ્યારે ભારતમાં ફોરજીની શરૂઆત થનાર હતી. અનિલ અંબાણીની બિઝનેસ માટે મોટી સમસ્યા એ હતી કે જંગી રોકાણ બાદ પણ ટેકનોલોજીમાં પાછળ થઈ ગયા હતા. અનિલ અંબાણીએ એક સાથે મોટુ વિસ્તરણ કર્યું હતું.

સારી કંપનીઓ મળી છતાં અનિલ પાછળ થયા.: ૨૮૦૦૦ કરોડના ગ્રુપનું વિભાજન

ધીરુભાઈ અંબાણીના ૨૮૦૦૦ કરોડ રૂપિયાના રિલાયન્સ ગ્રુપનું ૨૦૦૫માં વિભાજન થયું ત્યારે મુકેશ અને અનિલ અંબાણી અડધા-અડધા હિસ્સામાં હિસ્સેદાર બન્યા હતા. એ ગાળામાં નફો કરનાર અને નવી સંભાવના ધરાવનાર ટેલિકોમ સેક્ટર અનિલ અંબાણીના હાથમાં આવ્યું હતું. એવુ નક્કી થયું હતું કે, આગામી દસ વર્ષ સુધી મોટાભાઈ મુકેશ અંબાણી આ ઈન્ડસ્ટ્રીઝમાં દરમિયાન ગીરી કરશે નહીં. આવી સ્થિતિમાં અનિલ અંબાણી માથે વ્યાપક તકો રહેલી હતી. છતાં નફો મેળવવાની બાબત તો દુર રહી અનિલ અંબાણી વર્તમાન લીડને પણ ગુમાવતા ગયા હતા અને અવિરત નુકસાનમાં ફસાયા હતા.

(9:33 pm IST)