મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

મહિલા કર્મચારીઓની વધેલી મેટરનિટી લીવનો અડધો પગાર સરકાર ચૂકવશે!

સરકાર મહિલા કર્મચારીઓને હાયરીંગ અને મેટરનિટી પીરિયડ દરમિયાન તેમની રોજગારી જાળવી રાખવા માટે ઇન્સેન્ટીવ આપવાનું વિચારી રહી છે

નવી દિલ્હી તા. ૧૭ : સરકાર મહિલા કર્મચારીઓને હાયરિંગ અને મેટરનિટી પીરિયડ દરમિયાન તેમની રોજગારી જાળવી રાખવા માટે ઈન્સેન્ટીવ આપવાનું વિચારી રહી છે. આ સ્કિમ માટે સરકારી ભંડોળમાંથી ૪૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકારનો આ નિર્ણય એવામાં સમયમાં આવી રહ્યો છે, જયારે મેટરનિટી બેનિફિટ એકટમાં સંશોધન બાદ કંપનીઓ મહિલા કર્મચારીઓને છટણી કરવાનું વિચારી રહી હતી. આ સંશોધન દ્વારા મેટરનિટી પીરિયડને ૧૨ અઠવાડિયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરવામાં આવ્યો હતો.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલયે સંશોધન બાદ મેટરનિટી લીવમાં વધારાયેલા ૧૪ અઠવાડિયામાંથી ૭ અઠવાડિયાની સેલેરી કંપનીને આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ રિએમ્બર્સમેન્ટ તેવી મહિલા કર્મચારીઓ માટે હશે, જેમની સેલેરી ૧૫૦૦૦ રૂપિયા સુધી હશે અને તેઓ ઓછામાં ઓછા ૧૨ મહિનાથી ઈપીએફઓ સદસ્ય હોય. આ પોલિસીને સૌથી પહેલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવશે.

અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાની જેમ શ્રમ મંત્રાલય હવે મેટરનિટી લીવના ૨૬ અઠવાડિયા સુધી મહિલા કર્મચારીઓને નોકરી પર રાખવા માટે નાણાંકીય પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત સંશોધન બાદ મેટરનિટી લીવમાં વધારે ૧૪ અઠવાડિયામાંથી ૭ અઠવાડિયા મહિલા કર્મચારીની સેલેરી સરકાર કંપનીને આપશે, જયારે બાકીને ૭ અઠવાડિયાનો ખર્ચ કંપનીએ ઉઠાવવો પડશે.

મેટરનિટી બેનિફિટ એકટ ૧૯૬૧, મેટરનિટી સમયે મહિલા કર્મચારીઓને રોજગારીને ગેરેન્ટી આપે છે. વર્ષ ૨૦૧૭માં કરાયેલા સુધારા મુજબ મેટરનિટી લીવ પર મહિલા કર્મચારીઓને ૧૨થી વધારીને ૨૬ અઠવાડિયાની પેઈડ લીવ આપવામાં આવી હતી. મીનિસ્ટ્રી ઓફ લેબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પબ્લિક સેકટરમાં આ કાયદાનું પાલન સારી રીત થઈ રહ્યું છે પરંતુ તો પ્રાઈવેટ સેકટર કે કોન્ટ્રાકટ પરની નોકરીમાં તે સારી રીતે નથી થઈ રહ્યું. પ્રાઈવેટ કંપનીઓમાં એવી ધારણા છે કે મહિલા કર્મચારી હોવાથી તેઓને ૨૬ અઠવાડિયાના પેઈડ હોલીડેનો લાભ મળશે. આ કાયદો ૧૦ અથવા તેથી વધારે કર્મચારીઓવાળી કોઈપણ સંસ્થા પર આ કાયદો લાગૂ પડે છે. સ્ફાફિંગ કંપની ટીમલીજની એક રિપોર્ટ મુજબ મેટરનિટી લીવના કારણે આ નાણાંકીય વર્ષમાં ૧૧ લાખથી ૧૮ લાખ મહિલા કર્મચારીઓને નવી નોકરી શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ મામલે સરકારી ખાતાને કેટલીક ફરિયાદો પણ મળી છે. કર્મચારીને જેવું માલુમ પડે છે કે મહિલા કર્મચારીએ મેટરનિટી લીવ માટે એપ્લાય કર્યું છે, કોઈને કોઈ કારણથી તેમનો કોન્ટ્રાકટ રદ કરી નાખવામાં આવે છે. લેબર મિનિસ્ટ્રીની મીટિંગમાં હાજર રહેલા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, મહિલા કર્મચારીઓને વળતર કર્મચારી વેલફેરમાંથી એકઠા કરેલા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.

(11:07 am IST)