મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

બ્રિટનની કોર્ટે તિહારને સુરક્ષિત ગણીઃ હવે માલ્‍યાનું પ્રત્‍યર્પણ હાથવેંતમાં

બ્રિટીશ હાઈકોર્ટે ભારતીય મૂળના સટ્ટેબાજ સંજીવ ચાવલાને આપ્‍યો આંચકોઃ યુકેની અદાલતે તિહાર જેલને સુરક્ષિત ગણાવતા કહ્યુ કે, ભારતીય ભાગેડુઓનું પ્રત્‍યર્પણ થઈ શકે છેઃ મેચ ફીકસીંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો ચુકાદો માલ્‍યા માટે મહત્‍વનો : વિજય માલ્‍યા કાયમ તિહાર જેલને અસુરક્ષિત ગણી પ્રત્‍યર્પણથી બચી રહ્યો છે, હવે આવશે સાણસામાં: માલ્‍યા ઉપર ૯૦૦૦ કરોડ ચાંઉ કરી જવાનો આરોપ છે

લંડન, તા. ૧૭ :  બ્રિટનની એક અદાલતનો ફેંસલો વિજય માલ્‍યાના ભારત પ્રત્‍યર્પણના હિસાબથી ઘણો મહત્‍વનો સાબિત થઈ શકે છે. યુકેની અદાલતે તિહાર જેલને સુરક્ષિત ગણાવતા કહ્યુ છે કે, અહીં ભારતીય ભાગેડુઓના પ્રત્‍યર્પણની વ્‍યવસ્‍થા થઈ શકે છે. ક્રિકેટ ફિકસીંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ ફેંસલો બેંક છેતરપીંડી કરેલા ભાગેલા વિજય માલ્‍યાના પ્રત્‍યર્પણ માટે મહત્‍વનો સાબિત થઈ શકે છે.

લંડન હાઈકોર્ટના જસ્‍ટીસ લેગાટ અને જસ્‍ટિસ ડીંગેમેન્‍સે પોતાના ફેંસલામાં કહ્યુ છે કે, તિહારમાં ભારતીય મૂળના બ્રિટીશ નાગરીક સંજીવ ચાવલા માટે કોઈ ખતરો નથી. સંજીવ ચાવલા ઉપર મેચ ફીકસીંગના આરોપો છે. ભારત તરફથી ચાવલાના ઈલાજનો ભરોસો અપાયા બાદ લંડન હાઈકોર્ટે આ વાત જણાવી હતી. લંડન હાઈકોર્ટના આ ફેંસલાની અસર વિજય માલ્‍યા કેસ પર પણ પડશે. માલ્‍યા કાયમ ભારતીય જેલોને અસુરક્ષિત ગણાવતા રહ્યા છે. એવામાં હવે બ્રિટીશ અદાલત તરફથી તેના પ્રત્‍યર્પણની મંજુરી મળી શકે છે.

હવે આ મામલામાં આવેલા નવા ફેંસલા માટે કેસ વેસ્‍ટ મીન્‍સટર મેજીસ્‍ટ્રેટ કોર્ટમાં ટ્રાન્‍સફર થશે. બ્રિટનના વિદેશ મંત્રી ચાવલાના પ્રત્‍યર્પણ અંગે અંતિમ નિર્ણય લેશે. જો કે તેને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. એટલુ જ નહિ તે પછી લંડનની સુપ્રિમ કોર્ટમાં પણ ફેંસલાને પડકારી શકાય છે.

બ્રિટીશ હાઈકોર્ટના ચુકાદાથી સટ્ટેબાજી સંજીવ ચાવલાને ફટકો પડયો છે. ચાવલા ૧૮ વર્ષથી ચાલતા મેચ ફીકસીંગના મામલામાં ગયા વર્ષે ભારત પ્રત્‍યર્પણથી બચ્‍યા હતા. ૫૦ વર્ષના ચાવલાએ નીચલી અદાલત સમક્ષ દિલ્‍હીની તિહાર જેલમાં સ્‍થિતિ ખરાબ હોવાની દલીલો રજુ કરી હતી પરંતુ હાઈકોર્ટે તેની દલીલો ફગાવી દીધી છે. હવે આ ફેંસલાને ૯૦૦૦ કરોડના કૌભાંડી વિજય માલ્‍યાના પ્રત્‍યર્પણ મામલે પણ મહત્‍વનો ગણવામાં આવે છે.

(10:37 am IST)