મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ ૮૦મો ગોલ ફટકારતાં આર્જેન્ટીનાના લેજન્ડરી ફૂટબોલર મેસીની બરોબરી કરી

ભારતે ૩-૦થી નેપાળને હરાવીને આઠમી વખત 'સાફ' ચેમ્પિયનશિપ જીતી લીધી

ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ કારકિર્દીનો ૮૦મો ગોલ ફટકારતાં આર્જેન્ટીનાના લેજન્ડરી ફૂટબોલર મેસીની બરોબરી કરી લીધી છે. મેસી પણ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૮૦ ગોલ ફટકારી ચૂક્યો છે. છેત્રી ઉપરાંત સુરેશ સિંગ વાંગજામ અને સહલ અબ્દુલ સમદના ગોલને સહારે ભારતે ૩-૦થી નેપાળને હરાવીને આઠમી વખત 'સાફ' ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.

ભારતે ફાઈનલમાં આક્રમક શરૃઆત કરી હતી. જોકે ગોલ ફટકારવામાં સફળતા મળી નહતી. નેપાળના ડિફેન્સે લડાયક દેખાવ કર્યો હતો અને પ્રથમ હાફમાં બંને ટીમો ૦-૦થી બરોબરી પર રહી હતી. જોકે બીજા હાફમાં મેચની ૪૯મી મિનિટે સુનિલ છેત્રીએ ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી હતી. ભારતે આ સાથે મેચ પર પકડ જમાવી હતી.

છેત્રીએ આ ગોલની સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં મેસીના ગોલ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. હવે સૌથી વધુ ગોલ ફટકારવામાં રોનાલ્ડો બાદ મેસી અને છેત્રી સંયુક્તપણે બીજા સ્થાને આવી ગયા છે. ભારત તરફથી ૫૦મી મિનિટે બીજો ગોલ સુરેશ સિંઘે નોંધાવ્યો હતો. ભારતે માત્ર બે જ મિનિટના ગાળામાં બે ગોલ ફટકારતાં ટીમની જીત નિશ્ચિત કરી લીધી હતી.

નેપાળને મેચમાં પાછા ફરવાના પ્રયાસ કર્યા હતા, પણ તેઓને તેમાં સફળતા મળી નહતી. આખરી નિર્ધારિત ૯૦ મિનિટ બાદ ઈન્જરી ટાઈમની પહેલી મિનિટે જ સમદે ભારત તરફથી ત્રીજો ગોલ ફટકાર્યો હતો.

ક્રોએશિયાના ભૂતપૂર્વ ફૂટબોલર ઈગોર સ્ટીમાચે ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી તે પછી ભારત આ પહેલું ટાઈટલ જીત્યું છે. સ્ટીમાચે ૨૦૧૯માં ભારતીય ટીમના કોચિંગની જવાબદારી સંભાળી હતી. ભારતનો સાફ ચેમ્પિયનશિપમાં પ્રારંભ સારો રહ્યો નહતો. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ ૧-૧થી અને શ્રીલંકા સામેની મેચ ૦-૦થી ડ્રો કરી હતી. જે પછી ટીમે નેપાળને ૧-૦થી હરાવ્યું હતુ. આખરે ફાઈનલમાં પ્રવેશવા માટેની કરો યા મરો મેચમાં ભારતે ૩-૧થી માલદિવ્સને હરાવીને ટાઈટલ જંગમાં ક્વોલિફાય કર્યું હતુ.

(12:25 am IST)