મુખ્ય સમાચાર
News of Thursday, 17th October 2019

અયોધ્યામાં નક્શાને ફાડનાર સામે કેસ કરવા માટે તૈયારી

નક્શાને ફાડવાને લઇને રામવિલાસ વેદાંતી લાલઘૂમ : મુસ્લિમ પક્ષના વકીલની સામે બાર કાઉન્સિલમાં ફરિયાદ

અયોધ્યા, તા. ૧૭ : અયોધ્યા મામલાની અંતિમ સુનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા રામ જન્મભૂમિના નક્શાને ફાડી નાંખવાથી હિન્દુ પક્ષ ખુબ નારાજ છે. રામ જન્મભૂમિ ન્યાસ સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીએ આજે કહ્યું હતું કે, તેઓ કેસ દાખલ કરનાર હતા પરંતુ આનાથી રામલલ્લાનો મામલો પ્રભાવિત ન થાય તે માટે હાલમાં આને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી બાજુ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ સમગ્ર મામલામાં પત્ર લખીને રાજીવ ધવનની ફરિયાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કરી છે. પત્રમાં રાજીવ ધવનની સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રામ વિલાસ વેદાંતીએ કહ્યું છે કે, રાજીવ ધવને ન્યાયપાલિકાનો વિરોધ કર્યો છે. ન્યાયનો પણ વિરોધ કર્યો છે.

            બંધારણનો વિરોધ કર્યો છે. ન્યાયાધીશની સામે નક્શો ફાડીને કાયદાનું અપમાન કર્યું છે. તેઓ એફઆઈઆર દાખલ કરનાર હતા પરંતુ આનાથી અમારો મામલો પ્રભાવિત થઇ શકે છે જેથી હાલ કેસ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન ગઇકાલે અયોધ્યા મામલામાં ચાલી રહેલી છેલ્લી સુનાવણીના દિવસે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા નક્શો ફાડી નાંખવાને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. આને લઇને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી. ગઇકાલે બુધવારના દિવસે લંચ બાદ બીજી વખત સુનાવણી શરૂ થઇ ત્યારે રાજીવ ધવને નક્શાને ફાડી નાંખવાને લઇને કારણ આપ્યા હતા. ધવને કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની ઇચ્છાથી નક્શાને ફાડી નોંખ્યો હતો. આના પર ચીફ જસ્ટિસે પણ સહમતિ દર્શાવી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં જોરદાર ડ્રામાબાજીની સ્થિતિ રહી હતી. ભારે હોબાળો થયો હતો. અયોધ્યા સાથે સંબંધિત મામલામાં નક્શાને ફાડી નાંખવામાં આવતા નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહ સાથે પણ તેમની બોલાચાલી થઇ હતી જેના ઉપર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી.

(8:30 pm IST)