મુખ્ય સમાચાર
News of Wednesday, 17th October 2018

સાંજે સબરીમાલાના કપાટ ખુલે તે પહેલા હિંસાઃ દેખાવોઃ તોડફોડની ઘટનાઓ

સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક ફેંસલા બાદ ઉભો થયો છે વિવાદઃ મંદિર સાથે જોડાયેલા લોકો અને સ્વામી અયપ્પાને અનુયાયીઓ ફેંસલાને તેમની આસ્થાની વિરૂદ્ધ ગણાવી મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે : મંદિરની બહાર હજારોની ભીડઃ ટેન્શનનું વાતાવરણઃ મહિલાઓને દર્શન કરવા જતી અટકાવવામાં આવી રહી છેઃ મોટી સંખ્યામાં પોલીસ દળ પણ તૈનાતઃ મીડીયા પર પણ હુમલા

નવી દિલ્હી તા. ૧૭ :. સુપ્રીમ કોર્ટ દ્વારા કેરળમાં આવેલ સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવ્યા બાદ આજે સાંજે મંદિરના કપાટ ખુલે તે પહેલા માહોલ હિંસક બની ગયો છે. મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરે તેના વિરોધમાં દેખાવ કરી રહેલા લોકોએ મહિલાઓને ધમકાવી હતી તો કેટલાક દેખાવકારોએ મંદિરમાં દર્શન કરવા આવી રહેલા લોકોની બસો ઉપર પથ્થરમારો કર્યો હતો. મીડીયાને પણ નિશાના પર લેવામાં આવેલ છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે. મંદિર સાથે જોડાયેલા લોકો અને સ્વામી અયપ્પાના અનુયાયીઓ આ ફેંસલાના તેની આસ્થા વિરૂદ્ધ જણાવી રહ્યા છે. મંદિરની પાસે મોટી ભીડ એકઠી થઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં પ્રવેશ માટે આવી રહી છે તો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના રોકવાના પ્રયાસમાં લાગ્યા છે. દેખાવો ધીમે ધીમે હિંસક બની રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૦ની અટકાયત કરવામાં આવી છે. મંદિર સુધી જઈ રહેલ ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓને પાછા કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ પણ ફુંકી ફુંકીને પગલા લઈ રહી છે.

સબરીમાલાના કપાટ બુધવારે ખુલશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ ઉમરની મહિલાઓનો પ્રવેશ મંદિરમાં થશે. કેરળમાં આ વાતને લઈને તણાવ છે, અનેક સમૂહોએ સામૂહિક આત્મદાહ અને તોડફોડની ધમકી આપી છે. ચુકાદાનો વિરોધ કરી રહેલાં લોકો મંદિર તરફ આગળ વધી રહેલાં શ્રદ્ઘાળુઓની ગાડીઓ તપાસી રહ્યાં છે. સબરીમાલા મંદિરની તલહટીમાં સ્થિત પંબા શહેરમાં પોલીસે પ્રદર્શન કરતી મહિલાઓના એક જૂથની અટકાયત કરી છે. સબરીમાલાથી ૨૦ કિલોમીટર દૂર મંદિરના મુખ્ય પ્રવેશ નિલક્કલમાં મહિલાઓને રોકાવામાં આવી રહી છે. નિલક્કલમાં મોટી સંખ્યામાં તૈનાત પોલીસ કર્મચારીઓ મહિલાઓના પ્રવેશ વિરૂદ્ઘ પ્રદર્શન કરતા સબરીમાલા આચાર સંરક્ષણ સમિતિના લોકોને હટાવી દીધાં છે.

 જયારે પ્રદર્શનકારીઓએ મંદિર સુધી જવાના મુખ્ય રસ્તા પર બસોને રોકવાનો પ્રયાસ કર્યો તો પોલીસે તેમના વિરૂદ્ઘ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસની કાર્યવાહી શરૂ થતાં જ ઘણી ઓછી સંખ્યામાં હાજર રહેલાં પ્રદર્શનકારીઓ ભાગ્યાં હતા. માસિક પૂજા માટે મંદિર ખુલવાના થોડાંક કલાક પહેલાં પોલીસે કહ્યું કે તેઓ કોઈને પણ લોકોના આવન જાવનમાં અવરોધ ઊભો કરવા નહીં દે. નિલક્કલનું સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લેતાં પોલીસે અયપ્પા મંદિર જતાં શ્રદ્ઘાળુઓના રસ્તામાં અવરોધ પેદા કરનારાઓને ચેતવણી આપી છે. પરંપરાગત સાડીઓમાં અય્યપ્પા ભકત મહિલાઓ સબરીમાલાના પ્રવેશદ્વાર નિલક્કલ અને વિવિધ માર્ગો પર મોરચો માંડી દરેક ગાડીઓ અને બસોનું ચેકિંગ કરી રહી છે. મહિલા પત્રકારોને પણ કવરેજ માટે સબરીમાલા જવા દેવામાં નથી આવી રહ્યા. સરકારી બસમાં મહિલાઓનો એક સમૂહ મંદિર નજીક પામ્બા સુધી પહોંચી જતાં સ્થિતિ તનાવપૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ પછીથી તેમને બસમાંથી ઉતારી દેવાયાં હતાં.

સ્થળ પર તેનાત પોલીસ પણ અય્યપ્પા ભકતોને રોકવામાં નિષ્ફળ છે. જોકે મુખ્યમંત્રી પી. વિજયન કહી રહ્યા છે કે શ્રદ્ઘાળુઓને સબરીમાલા મંદિર જતા અટકાવવાની કોઇને પણ પરવાનગી નહીં અપાય. ઘણા શ્રદ્ઘાળુ પહોંચી જતા નિલાક્કલ, પામ્બા અને સબરીમાલામાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસની માસિક પૂજા પછી ૨૨ ઓકટોબરે મંદિર બંધ કરી દેવાશે.

પરિસ્થિતિ જોતાં આખો વિસ્તાર છાવણીમાં તબદીલ કરાયો છે. છતાં પોલીસે બળપ્રયોગ કર્યો નથી. સરકાર સન્નિધાનમ અને ગર્ભગૃહ તરફ જતાં ૧૮ પવિત્ર પગથિયાં પર મહિલા પોલીસ કર્મીઓને ગોઠવવા વિચારી રહી છે.

મંદિરમાં મહિલાઓને પ્રવેશના વિરોધમાં નિલાક્કલમાં અય્યપ્પા ભકત એક મહિલાઓ ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેન બચાવી લીધી છે.

(3:31 pm IST)