મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

વૃદ્ધ માતા -પિતાને ત્રાસ અપાતા પુત્રને મુંબઈ હાઇકોર્ટે આપ્યો ઘર ખાલી કરવા આદેશ

એકમાત્ર પુત્ર અને તેની પત્ની તેમના પર દરરોજ શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારતા હતા.

મુંબઈ હાઈકોર્ટે એક વ્યક્તિ અને તેની પત્નીને તેમના વૃદ્ધ માતા-પિતાનું ઘર ખાલી કરવા માટેનો આદેશ આપ્યો છે. આ વ્યક્તિ દરરોજ તેના માતા-પિતાને કારણ વગર જ હેરાન કરતો હતો અને ઘર પર કબજો કરીને બેસી ગયો હતો. હાલ, મુંબઈ હાઈકોર્ટે આશિષ દલાલ નામના શખ્સ અને તેના પરિવારને તેમના વૃદ્ધ માતા-પિતાનું ઘર ખાલી કરવા માટેનો આદેશ આપ્યો છે.

કોર્ટને મળેલી માહિતી મુજબ, 90 વર્ષના પિતા અને 89 વર્ષીય માતાનો એકમાત્ર પુત્ર અને તેની પત્ની તેમના પર દરરોજ શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારતા હતા.

દલાલને ફ્લેટ ખાલી કરવાનો નિર્દેશ આપતી વખતે હાઈકોર્ટે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે, એક વૃદ્ધ માતા-પિતાએ તેમના અધિકારોની સુરક્ષા માટે અદાલતનો સંપર્ક કરવો પડ્યો. કોર્ટે કહ્યું કે આ એક એવો કેસ છે કે, જ્યાં વૃદ્ધ માતાપિતા તેમના એકમાત્ર પુત્રના હાથે પીડાઈ રહ્યા છે. આ સ્થિતિ જોઇને એક કહેવત યાદ આવે છે કે, 'દીકરીઓ કાયમ માટે સાથ આપે છે જ્યારે દીકરો તેના લગ્ન ના થાય ત્યા સુધી'

ન્યાયાધીશે કહ્યું કે, સિનિયર સિટીઝન્સ એક્ટ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના બાળકો અથવા સંબંધીઓ સુનિશ્ચિત કરે કે, તેમના માતા-પિતા તથા સ્વજનો કોઈપણ જાતની તકલીફ સામાન્ય જીવન જીવી શકે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, હાલનો આ કેસ ખુબ જ દુ:ખદ છે કે, જ્યાં વ્યક્તિ જાણી જોઈને તેના માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં સામાન્ય જીવન જીવતા અટકાવી રહ્યો છે

કોર્ટ આશિષ દલાલ દ્વારા સિનિયર સિવિલ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. ટ્રિબ્યુનલે દલાલ અને તેની પત્નીને ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી કરતાં કોર્ટને જાણવા મળ્યું કે, દલાલ નવી મુંબઈ અને દહિસર વિસ્તારોમાં ત્રણ રહેણાંક ધરાવે છે તેમછતાં તે તેના માતા-પિતા સાથે રહેવાનો આગ્રહ રાખી રહ્યો છે પરંતુ, દલાલની અરજી ફગાવી દેવામાં આવી હતી અને ૩૦ દિવસની અંદર જ ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

(11:04 pm IST)