મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

પુખ્ત વયની વ્યકિત કોઇપણ ધર્મમાં લગ્ન કરી શકે છેઃ માતા-પિતા પણ તેને રોકી ન શકે

પુખ્તને પોતાની પસંદગીના જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છેઃ કોઇ વાંધો ઉઠાવી ન શકે અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

લખનૌ, તા.૧૭: અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું છે કે ભારતનું બંધારણ દરેક પુખ્ત વયના નાગરિકને પોતાની મરજી અનુસાર ધર્મ અપનાવવા અને લગ્ન કરવાની સ્વતંત્રતા આપે છે. તેના પર કોઇ બંધારણીય રોક નથી. કોર્ટે આ વાત મુસ્લીમ યુવતીના હિંદુ યુવક સાથે લીવ ઇન રિલેશનશીપના કેસમાં કરી છે. પ્રેમી યુગલે કોર્ટને આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાની મરજીથી એક બીજા સાથે રહે છે.

જસ્ટિસ મનોજકુમાર ગુપ્તા અને જસ્ટિસ દિપક વર્માની બેંચે કહ્યું કે બંધારણ બધાને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપે છે. કોર્ટે મુસ્લીમ યુવતિ અને તેના પ્રેમીને સુરક્ષાપ્રદાન કરવાનો આદેશ આપતા કહ્યું કે ફકત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું સ્વીકાર્ય નથી. પણ જો બે પુખ્ત વયના એકબીજાને પસંદ કરતા હોય તો તેમને સાથે જીવવાનો અધિકાર છે. તેમાં તેમના માતા-પિતા પણ વાંધો ના ઉઠાવી શકે. જો કે કોર્ટે એ પણ કહ્યું કે આ અંતિમ તારણ નથી. તે યુવતી અને યુવકની ઉંમરને ધ્યાનમાં રાખીને આ વાત કહે છે. આ કેસમાં છોકરીની ઉંમર ૧૯ અને તેના પાર્ટનરની ઉંમર ૨૪ વર્ષની છે.

મળતી માહિતી અનુસાર, શિફાહસન નામની એક મુસ્લીમ મહિલાએ એક હિંદુ યુવક સાથે લગ્ન કર્યા પછી જીલ્લા અધિકારી પાસે હિંદુ ધર્મ અપનાવવાની પરવાનગી માંગી. જીલ્લા અધિકારીએ આ અંગે પોલિસ સ્ટેશન પાસેથી રીપોર્ટ મંગાવ્યો. પોલિસે માહિતી આપી કે યુવકના પિતા આ લગ્નથી ખુશ નથી અને છોકરીનો પરિવાર પણ તેની વિરૂધ્ધ છે.

આના પછી શિફાને પોતાના અને પતિના જીવન જોખમ લાગતા તેણે કોર્ટમાં અરજી કરીને ન્યાયની માંગણી કરી. કોર્ટે આ લગ્નમાં કોઇને દખલ ના દેવા અને પોલિસ તરફથી સુરક્ષાપ્રદાન કરવા આદેશ આપ્યા.

(11:44 am IST)