મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કોરોનાથી ડોકટરોના મોતનો આંકડો નથી : કેન્દ્ર સરકાર

સરકારના વલણથી ઈન્ડિયન મેડિકલ એસો. ખફા :કોરોનાથી જીવ ગુમાવનારા ૩૮૨ ડોક્ટરોનું લિસ્ટ જાહેર કરાયું અને તેમને શહીદનો દરજ્જો આપવાની માગ કરી

નવી દિલ્હી, તા. ૧૭ : દેશમાં કોરોનાના કહેર વચ્ચે જીવ ગુમાવનારા ડોક્ટરોના મોતનો આંકડો સંસદમાં જાહેર કરવા માટે સરકારે કરેલા ઈનકાર બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભડકી ઉઠ્યું છે.

કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે, કોરોનાથી જીવ ગુમાવનારા કે વાયરસનો ચેપ જેમને લાગ્યો છે તેવા ડોકટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા નથી. એ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોરોનાથી જીવ ગુમાવનારા ૩૮૨ ડોક્ટરોનું લિસ્ટ જાહેર કર્યું છે અને તેમને શહીદનો દરજ્જો આપવાની પણ માંગ કરી છે.

એસોસિએશનનું કહેવું છે કે, જો સરકાર કોરોનાથી સંક્રમિત થયેલા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા ના રાખતી હોય તો સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમિક એક્ટ લાગુ કરવાનો પણ નૈતિક અધિકાર નથી રહેતો.એક તરફ સરકાર ડોક્ટરોને કોરોના વોરિયર કહે છે અને બીજી તરફ તેમને શહીદનો દરજ્જો આપવાનો પણ ઈનકાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યુ હતુ કે, સરકાર પાસે આ આંકડા નથી.કારણકે આરોગ્યનો હવાલો જે તે રાજ્ય સરકાર પાસે હોય છે.કેન્દ્ર સ્તરે આ આંકડા એકઠા કરાતા નથી. એસોસિએશને આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જો આ ડેટા સરકાર પાસે ના હોય તો કર્તવ્યનુ પાલન કરનારા રાષ્ટ્રીય નાયકો એટલે કે ડોક્ટરોનું આ અપમાન જ કહી શકાય.

(9:45 pm IST)