મુખ્ય સમાચાર
News of Tuesday, 17th September 2019

૬ કરોડ EPFO ધારકોને ૮.૬૫ ટકાનું વ્યાજ મળશે

તહેવારની સિઝન પહેલા લાભ આપવાની તૈયારી : હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા ૮.૬૫ ટકા વ્યાજદરને લીલીઝંડી : નિર્મલા સીતારામનને નવી દરખાસ્ત મોકલાઈ

નવીદિલ્હી,તા.૧૭ : શ્રમમંત્રી સંતોષ ગંગવારે આજે કહ્યું હતું કે, છ કરોડથી વધુ ઇપીએફના ખાતા ધારકોને તહેવારની સિઝન પહેલા ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫ ટકાનો વ્યાજદર ચુકવવામાં આવશે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સમિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ આ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે છેલ્લા નાણાંકીય વર્ષ માટે વ્યાજદર ૮.૬૫ ટકા રાખવાને મંજુરી આપી દીધી છે. આ દરખાસ્ત નાણામંત્રાલયની વિચારણા માટે મોકલી દેવામાં આવી છે. નાણામંત્રાલયની મંજુરી એક વખતે મળી ગયા બાદ ઇપીએફઓ ગ્રાહકોના ખાતાઓમાં ૮.૬૫ ટકાનો વ્યાજદર ક્રેડિટ કરશે અને આજ રેટ ઉપર ક્લેઇમના ઉકેલ લાવશે. હાલમાં ઇપીએફઓ દ્વારા પીએફ વિડ્રેઅલ ક્લેઇમ ૮.૫૫ ટકાના દરે હાથ ધરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ માટે આ દર મંજુર કરવામાં આવ્યો હતો.

              નેશનલ સેફ્ટી એવોર્ડ કાર્યક્રમના ભાગરુપે આયોજિત બેઠકમાં મંત્રી ગંગવારે કહ્યું હતું કે, તહેવારની સિઝન પહેલા ૬ કરોડથી વધુ ઇપીએફના ધારકોને ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫ ટકાનો વ્યાજદર આપવામાં આવશે. ઇપીએફ વ્યાજદરને મંજુર કરવામાં થઇ રહેલા વિલંબના સંદર્ભમાં પ્રધાને કહ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારામન હાલના દિવસોમાં અન્ય કામમાં વ્યસ્ત થયેલા છે. ૨૦૧૮-૧૯ માટે ઇપીએફ વ્યાજદર માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી ચુકી છે. નિર્મલા સીતારામન આને લઇને સહમત નથી. અમારા દ્વારા મંજુર કરવામાં આવેલા ૮.૬૫ ટકાના વ્યાજદરને લઇને કેટલાક પ્રશ્નો રહેલા છે. ૨૦૧૮-૧૯ માટે ઇપીએફના ધારકોને આ વ્યાજદર આપવા માટે તૈયારી થઇ રહી છે. શ્રમ મંત્રાલય હેઠળ રહેલી સંસ્થાઓ મારફતે નક્કી કરવામાં આવનાર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં વિવિધ પાસાઓ ઉપર

ધ્યાન અપાઈ રહ્યું  છે. જમ્મુ કાશ્મીર અને લડાખ એમ બે પ્રદેશનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા લેહમાં ૩૦ બેડની હોસ્પિટલ અને શ્રીનગરમાં ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રીનગર અને જમ્મુમાં ઇપીએફઓ તેની ઓફિસ પણ ખોલશે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ આ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૩૧મી ઓક્ટોબરથી ૧૦૬ કેન્દ્રીય કાયદાઓ અમલી બનનાર છે. કેન્દ્ર સરકારને નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ કાયદાઓને અમલી કરવા પુરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. બેરોજગારીના મુદ્દા પર મંત્રીએ કહ્યું હતું કે, વર્કરોની સંખ્યા બે કરોડ સુધી ઉમેરાઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ૨૦ અથવા તો તેનાથી વધુ લોકો જ્યાં કામ કરે છે તેવી સંસ્થાઓમાં બે કરોડ વર્કરો ઉમેરાઈ ગયા છે. આ સંખ્યા છ કરોડથી વધીને હવે આઠ કરોડ થઇ છે.

(7:53 pm IST)