મુખ્ય સમાચાર
News of Friday, 17th August 2018

નિશબ્દ શું, શૂન્યમાં છું : મોદી દ્વારા તરત જ પ્રતિક્રિયા અપાઈ

પાર્ટી ઓફિસ ઉપર ધ્વજ અડધીકાઢીએ કરાયો : અટલ યુગનો અંત આવ્યો છે : મોદી : ભાજપમાં આઘાત

નવીદિલ્હી,તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ વાજપેયીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓએ પણ વાજપેયીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યું છે કે, તેઓ નિશબ્દ છે. શૂન્યમાં છે. વાજપેયીના અવસાનની સાથે જ એક અટલ યુગનો અંત આવ્યો છે. વાજપેયી હમેશા પ્રેરણા સમાન રહેશે. વાજપેયીના અવસાન અંગે અન્ય તમામ નેતાઓએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. તેમના પાર્થિવ શરીરને મોડેથી નિવાસસ્થાન ઉપર લઇ જવામાં આવ્યા બાદ શ્રદ્ધાંજલિનો દોર શરૂ થયો હતો. પાર્ટી ઓફિસ ઉપર ધ્વજને અડધી કાઢીએ કરી દેવામાં આવ્યો હતો. પાર્ટીના કાર્યકરોમાં દુખનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા ૧૧મી જૂનથી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સતત બગડી રહી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, વાજપેયી તમામ માટે એક પ્રેરણા સમાન હતા. તેમના વગર ભારતીય રાજનીતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શિવરાજસિંહે કહ્યું હતું કે જ્યારેવાજપેયી તેમના મતવિસ્તારમાંથી લડવા માટે આવ્યા હતા ત્યારે તેમને પ્રચાર કરવાની જવાબદારી હતી તે વખતે શિવરાજસિંહ યુવા નેતા તરીકે હતા અને પ્રચાર કરીને ગર્વ અનુભવી રહ્યા હતા. આવી જ પ્રતિક્રિયાઓ અન્ય નેતાઓ દ્વારા પણ આપવામાં આવી છે.

(7:50 pm IST)