મુખ્ય સમાચાર
News of Saturday, 17th July 2021

સરકારી કર્મચારીઓને બેવડો ફાયદો

DA બાદ હવે HRAમાં વધારો જાહેર

કર્મચારીઓને શહેર પ્રમાણે ૨૭ ટકા, ૧૮ ટકા અને ૯ ટકા HRA મળશે

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધવાની સાથે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. સરકારે ડીએ વધાર્યા પછી હવે એચઆરએ પણ સુધારી દીધું છે. તેથી ઓગસ્ટ મહિનાના પગારમાં એચઆરએ પણ વધીને મળશે. સરકારના આદેશ અનુસાર એચઆરએ એટલે વધારાયું છે કેમકે ડીએ ૨૫ ટકાથી વધી ગયું છે.

નાણા મંત્રાલયના આદેશ અનુસાર હવે કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરના હિસાબે ૨૭ ટકા, ૧૮ ટકા અને ૯ ટકા હાઉસ રેન્ટ મળશે. આ કલાસીફીકેશન X, Y અને Z કલાસ શહેરોના હિસાબે છે. એટલે જે કેન્દ્રીય કર્મચારી X કલાસ સીટીમાં રહેતો હોય તેને હવે વધારે એચઆરએ મળશે.

એજી ઓફિસ બ્રધરહુડ, અલ્હાબાદના ભૂતપૂર્વ પ્રમુખ અને ઓલ ઇન્ડીયા ઓડીટ એન્ડ એકાઉન્ટસ એસોસીએશનના આસીસ્ટન્ટ સેક્રેટરી જનરલ હરીશંકર તિવારી અનુસાર સાતમું પગાર પંચ લાગુ થયા પછી કેન્દ્ર સરકારે એચઆરએની પધ્ધતિ બદલી નાખી હતી. તેની કેટેગરી X, Y અને Z બનાવવામાં આવી હતી. તે અુનસાર ૨૪, ૧૮ અને ૯ ટકા એચઆરએ મળવાનું નક્કી હતું.

હરિશંકર તિવારી અનુસાર X કેટેગરી સૌથી ઉપરની છે જેમાં ૫૦ લાખથી વધારે વસ્તીવાળા શહેરો આવે છે. ત્યાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓને હવે ૨૭ ટકા એચઆરએ મળશે. જ્યારે Y કેટેગરીમાં ૧૮ ટકા અને Z કેટેગરીમાં ૯ ટકા એચઆરએ મળશે.  તિવારીએ જણાવ્યું કે, એચઆરએ હેઠળ શહેરોનું અપગ્રેડેશન પણ થાય છે. એટલે કે જો કોઇ શહેરની વસ્તી ૫ લાખથી વધી જાય તો તે Z કેટેગરીમાંથી Y કેટેગરીમાં અપગ્રેડ થઇ જાય છે એટલે કે ત્યાં ૯ ટકાના બદલે ૧૮ ટકા ડીએ મળવા લાગશે.

(11:48 am IST)