મુખ્ય સમાચાર
News of Wednesday, 17th July 2019

માતાપિતાના તણાવપૂર્ણ સબંધોથી ત્રાસીને 15 વર્ષના સગીર પુત્રએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી

બે મહિના જુના પત્રથી પીએમઓએ એલર્ટ કર્યા : વિસ્તૃત તપાસના આદેશ : માતા પિતાના લગ્નેતર સબંધો : પિતાને કેન્સર, જાનથી મારી નાખવાની ધમકી

બિહારના ભાગલપુરમાં 15 વર્ષના માસુમ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે.આ છોકરો પોતાના માતાપિતાના તણાવપૂર્ણ સંબંધોથી ત્રાસી ગયો છે જેના કારણે તેણે પોતાનુ જીવન ખતમ કરવાની પરવાનગી માંગી છે. 

મળતી માહિતી અનુસાર આ છોકરો હાલમાં ઝારખંડમાં રહે છે જ્યાં તેના પિતા સરકારી કર્મચારી છે જ્યારે મા પટના સ્થિત બેંકમાં કાર્યરત છે. આ પત્ર સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યુ કે જ્યારે તેમને પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી બે મહિના જૂના પત્ર વિશે એલર્ટ કરવામાં આવ્યા ત્યારે આ કેસ હાલમાં જ સામે આવ્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નિર્દેશ જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે આ કેસમાં વિસ્તૃત તપાસ કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે. છોકરાના પિતા હાલમાં ઝારખંડ સ્થિત દેવઘરમાં સ્ટેટ રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાં મેનેજરના પદ પર કાર્યરત છે જ્યારે મા પટનામાં રહે છે અને તે ત્યાં બેંકમાં આસિસટન્ટ મેનેજરના પદ પર કામ કરે છે.

  માહિતી અનુસાર છોકરાએ પોતાનુ શરૂઆતનુ જીવન ભાગલપુર એનટીપીસીમાં વિતાવ્યુ છે જ્યાંથી તેના દાદા રિટાયર થયા છે. તે બાદ છોકરો દેવઘર જતો રહ્યો, અહીં તેના પિતા રહે છે. દેવઘરમાં જ રહીને છોકરો પોતાનો અભ્યાસ કરી રહ્યો છે.

  આ સમગ્ર મામલે છોકરાના દાદા અને કાકાનું કહેવુ છે કે છોકરાની માના કારણે સંબંધમાં ઘણી કડવાશ આવી ગઈ છે. છોકરાની માના પોતાના પતિ સાથે સંબંધ ઘણા તણાવપૂર્ણ છે. બંનેએ લગ્ન બાદ એકબીજા સામે અફેરના ઘણા કેસ નોંધાવ્યા છે.

  રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં છોકરાએ પોતાના માતાપિતા વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધની વાત કહી છે. માતાપિતા વચ્ચે તણાવપૂર્ણ સંબંધના કારણે છોકરો વાજ આવી ગયો છે. તેનુ કહેવુ છે કે આ તણાવના કારણે તેનો અભ્યાસ પણ ઘણો પ્રભાવિત થઈ રહ્યો છે.

છોકરાએ પોતાના પત્રમાં કહ્યુ છે કે તેના પિતાને કેન્સર છે. વળી, અસામાજિક તત્વોએ તેના પિતાને જાનથી મારવાની ધમકી પણ આપી છે. સૂત્રોની માનીએ તો છોકરાની માના ઈશારે અમુક લોકોએ પિતાને જાનથી મારવાની ધમકી આપી છે. આ સ્થિતિના કારણે આજિજ આવીને છોકરો પોતાની જિંદગી ખતમ કરવા ઈચ્છે છે. આ પત્ર સામે આવ્યા બાદ આ કેસની તપાસ ચાલી રહી છે.

(10:28 am IST)