મુખ્ય સમાચાર
News of Tuesday, 17th July 2018

છ મહિનાના પુત્રએ આપ્યો શહિદ પિતાને અગ્નિદાહ

રાજકિય સન્માન સાથે શહિદ લોકેન્દ્રસિંહ શેખાવત ના અંતિમ સંસ્કાર

જયપુર તા.૧૭: છત્તીસગઢના કાકેરમાં નકસલી હુમલામાં શહિદ થયેલા સીકર જિલ્લાના નાથુસર ગામના લાડકા લોકેન્દ્ર સિંહ શેખાવતના અંતિમ સંસ્કાર તેમના વતનમાં પુર્ણ રાજકિય સન્માન સાથે થયા હતાં. હજારોની સંખ્યામાં લોકોએ ભીની આંખે પોતાના લાડકાને વિદાય આપી હતી. શહિદ લોકેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં બી.એસ.એફ અને રાજસ્થાન પોલીસની ટુકડીએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નાથુસરનો વીર લાડકો લોકેન્દ્રસિંહ ૨૦૧૨માં બીએસએફમાં જોડાયો હતો.

પિતા મહેન્દ્રસિંહના બે પુત્રોમાં નાનો લોકેન્દ્ર નાનપણથી જ હોનહાર હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા નાગોર જિલ્લાના આંસરવાની અન્નુ કંવર સાથે થયા હતા. તેને છ મહિનાનો એક પુત્ર દક્ષ પ્રતાપસિંહ છે ૧૫ જુલાઇએ દક્ષના મુંડનનો કાર્યક્રમ થવાનો હતો ત્યારે જ માઠા સમાચાર આવ્યાં કે લોકેન્દ્રસિંંહ નકસલી હુમલામાં શહિદ થયેલ છે. લોકેન્દ્રની શહિદીના સમાચાર મળતાંજ આખા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી જયારે તેમની પત્ની કે પરિવારને આ વાતની જાણ નહોતી કરાઇ.

સોમવારે સવારે પણ ગામમાં ચુલા નહોતા પેટાવાયા, મોડી રાતે શહિદ લોકેન્દ્રસિંહનો પાર્થિવ દેહ રોડ માર્ગે અજીત ગઢ પહોંચ્યો હતો. જયાંથી સોમવારે સવારે હજારોની સંખ્યામાં બાઇક રેલીના નેતૃત્વમાં કાફલા સાથે લોકેન્દ્રસિંહનો મૃતદેહ તેમના ગામ નાથુસર જવા રવાના થયો હતો. લોકેન્દ્રસિંહની શહિદીને સલામી આપવા રોડ પર હજારો લોકો ઉમટી પડયા હતા. અને પોતાના લાડકાને સલામી આપી હતી.

બીએસએફના સબ ઇન્સપેકટર જીતેન્દ્રસિંહ દેવડાની આગેવાની હેઠળ લોકેન્દ્રસિંહનો પાર્થિવ દેહ નાથુસર પહોંચ્યો હતો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે લોકેન્દ્રસિંહ બહાદુર અને મિલનસાર હતો. અમને અમારો સાથી ગુમાવ્યાનું દુઃખ છે પણ તેની શહિદી ઉપર ગર્વ પણ છે. (૧.૨૭)

(4:04 pm IST)