મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

થાઈલેન્ડ ટૂંકમાં વિદેશી પર્યટકો માટે દેશના દરવાજા ખોલશે

ભારતીયો માટે થાઈલેન્ડ પસંદગીનું ફરવાનું સ્થળ છે : વેક્સિનના બંને ડોઝ લીધા છે તેવા પર્યટકો માટે જ સ્થળો ખોલાશે, આવા ટુરિસ્ટોને ક્વોરેન્ટાઈન થવાની જરુર નહીં

નવી દિલ્હી, તા. ૧૭ : વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે થાઈલેન્ડ ફેવરિટ બની રહ્યુ છે.કોરોનાકાળ પહેલા થાઈલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો હતો.

હવે થાઈલેન્ડે આગામી ૧૨૦ દિવસોમાં વિદેશી પર્યટકો માટે દેશને ખોલી નાંખવા માટેની યોજના બનાવી છે.થાઈલેન્ડના પીએમ પ્રાયુથ ચાન ઓછાએ કહ્યુ હતુ કે, દેશની ઈકોનોમીને ફરી પાટા પર લાવવા માટે ઓક્ટોબરની શરુઆત સુધીમાં દેશની મોટાભાગની વસ્તીને ઓછામાં ઓછો કોરોના વેક્સીનનો એક ડોઝ આપવાની યોજના છે.

જેમણે વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવા પર્યટકો માટે દેશના કેટલાક ટુરિસ્ટ સ્થળો ખોલી નાંખવામાં આવશે.આવા ટુરિસ્ટોએ ક્વોરેન્ટાઈન થવાની પણ જરુર નહીં પડે.તેમણે કહ્યુ હતુ કે, આ યોજનાનો અમલ ફુકેટથી કરાશે.અહીંયા એક પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.જુલાઈ સુધીમાં દેશમાં એક કરોડ લોકોને વેક્સીન અપાશે.અત્યાર સુધીમાં વેક્સીનના ૧૦ કરોડ ડોઝ ઓર્ડર કરી દેવાયા છે. તેમણે કહ્યુ હતુ કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.દેશને ખોલવા માટે તારીખ નક્કી કરીને ટુરિસ્ટોનુ ફરી સ્વાગત કરવુ પડશે.લોકોને ખતમ થઈ ગયેલી રોજગારી મળે તે માટે ટુરિઝમ શરુ થાય તે જરુરી છે.૧૨૦ દિવસમાં થાઈલેન્ડને ખોલી નાંખવાનુ આપણુ લક્ષ્ય છે.

ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડની ઈકોનોમી ટુરિઝમ પર નિર્ભર છે.દેશની ઈકોનોમીમાં તેનો ફાળો ૨૦ ટકા જેટલો છે.કોરોના વાયરસની મહામારીમાં ટુરિઝમ બંધ થઈ જતા લાખો લોકોએ રોજગારી ગુમાવી છે.થાઈલેન્ડને હવે રોજગારી વધારવા માટે ટુરિઝમ શરુ કરવુ પડે તેમ છે.

(8:07 pm IST)