મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

૩૦:૩૦:૪૦ની ફોર્મ્યુલાથી પાસ થશે ધોરણ ૧૨નાં છાત્રોઃ CBSEએ સુપ્રિમને કરી જાણ

ધો.૧૦ના આધાર પર ૩૦%, ધો.૧૧ના આધારે ૩૦ ટકા માર્ક અને ધો.૧૨માંના પ્રી બોર્ડના આધારે ૪૦ ટકા અંક અપાશે

નવી દિલ્હી, તા.૧૭: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો છે. બોર્ડે જણાવ્યું કે આ માટે ૩૦:૩૦:૪૦ ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે.

બોર્ડે જણાવ્યું કે ૩૦:૩૦:૪૦ ફોર્મ્યુલા હેઠળ ધોરણ ૧૦ના બોર્ડના પરિણામના આધારે ૩૦ ટકા માકર્સ, ૧૧માં ધોરણના આધારે ૩૦ ટકા માકર્સ અને ૧૨માં ધોરણની પ્રી બોર્ડના આધારે ૪૦ ટકા માકર્સ અપાશે. બોર્ડની વેબસાઈટ cbse.nic.in ઉપર પણ તમને આ અંગે વધુ વિગતો મળી રહેશે.

ધોરણ-૧૨: યુનિટ ટેસ્ટ, મીડ ટર્મ અને પ્રી બોર્ડ એકઝામના પરફોર્મન્સના આધારે માકર્સ મળશે. જેનું વેટેજ ૪૦ ટકા રહેશે.

ધોરણ-૧૧: ફાઈનલ પરીક્ષામાં તમામ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માકર્સ મળશે. જેનું વેટેજ ૩૦ ટકા રહેશે.

ધોરણ-૧૦: મુખ્ય ૫ વિષયોમાંથી ત્રણ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માકર્સ મળશે. આ ત્રણ વિષય એવા હશે જેમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સૌથી સારું હશે. તેનું વેટેજ પણ ૩૦ ટકા રહેશે. કલાસ ૧૨માં જે પણ પ્રેકિટકલ પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટ તમે આપ્યા હશે તેમાં તમને મળેલા માકર્સ જ શાળા સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા ગત વર્ષોમાં બોર્ડ એકઝામ્સમાં પોતાના પરફોર્મન્સના આધાર પર જ માકર્સ આપી શકે છે. એટલે કે રેફરન્સ યરનો નિયમ લાગૂ થશે.

CBSE એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ ૧૨ની પરીક્ષાના પરિણામ ૩૧ જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાશે.

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈએ કહ્યું કે પરિણામ સમિતિએ પરીક્ષાની વિશ્વસનિયતાના આધારે વેટેજ પર નિર્ણય લીધો છે. શાળાઓની નીતિ પ્રીબોર્ડમાં વધુ અંક આપવાની છે, આવામાં સીબીએસઈની હજારો શાળાઓમાંથી પ્રત્યેક માટે પરિણામ સમિતિ બનશે, શાળાના બે વરિષ્ઠતમ શિક્ષક અને પાડોશી શાળાના શિક્ષક 'મોડરેશન કમિટી' તરીકે કામ કરશે જેથી કરીને સુનિશ્યિત થઈ શકે કે શાળાએ માકર્સને વધારીને લખ્યા નથી. આ કમિટી વિદ્યાર્થીઓના ગત છેલ્લા ત્રણ વર્ષોના પ્રદર્શનને આંકશે.

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ જુલાઈ સુધીમાં સીબીએસઈના ધોરણ ૧૨ના પરિણામ જાહેર કરી દેવાશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને ફરીથી પરીક્ષા આપવાની તક અપાશે. આ માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી રહી છે. કેન્દ્રએ કહ્યું કે સીબીએસઈએ પહેલીવાર આ પ્રકારના અભૂતપૂર્વ સંકટનો સામનો કર્યો છે.

સીબીએસઈની જેમ જ ICSE એ પણ ધોરણ ૧૨ના પરિણામની જાહેર કરવાની નીતિ સુપ્રીમ કોર્ટને જણાવી છે. ધોરણ ૧૦ના માકર્સ (પ્રોજેકટ અને પ્રેકિટકલને લઈને) તથા પછી ધોરણ ૧૧ અને ૧૨ના પ્રોજેકટ અને પ્રેકિટકલમાં મળેલા માકર્સને આધાર બનાવીને ધોરણ ૧૨ની માર્કશીટ બનાવવામાં આવશે. ગત વર્ષે પણ આઈસીએસઈએ આ નીતિથી ધોરણ ૧૨ના પરિણામ જાહેર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં આઈસીએસઈએ કહ્યું કે ગત વર્ષના પરિણામ પર ફકત ૧૦ વિદ્યાર્થીઓએ આપત્ત્િ। જતાવી હતી. જેમને બાદમાં ઈમ્પ્રુવમેન્ટ પેપર આપી દેવાયા હતા. આઈસીએસઈએ કહ્યું કે અમે ૩૦ જુલાઈ સુધીમાં ધોરણ ૧૨ના પરિણામ જાહેર કરી દઈશું. જયારે કેન્દ્ર સરકારે કહ્યું કે ૧૪.૫ લાખ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવાનું છે. અમે ઉતાવળ કરી શકીએ નહીં.

સુપ્રીમ કોર્ટે CBSE અને ICSE ની પ્રસ્તાવિક મૂલ્યાંકન નીતિને સ્વીકારી લીધી છે. હવે બંને બોર્ડ પોત પોતાની નીતિ પર કામ કરી શકે છે. ધોરણ ૧૨ની કોઈ પરીક્ષા નહીં થાય પરંતુ તે વિદ્યાર્થીઓ માટે સુધાર પરીક્ષાનું આયોજન થઈ શકે છે જે પોતાના માકર્સ સુધારવા માંગે છે, ૩૧ જુલાઈ સુધીમાં પરિણામ આવવાની પૂરેપૂરી શકયતા છે. આ સાથે જ બોર્ડ તરફથી ફરિયાદ સમાધાન સમિતિની પણ રચના કરાશે.

અત્રે જણાવવાનું કે ગત ૪ જૂનના રોજ સીબીએસઈએ અસેસમેન્ટ પોલીસી નક્કી કરવા માટે ૧૩ સભ્યોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિને રિપોર્ટ તૈયાર કરવા માટે દસ દિવસનો સમય લાગ્યો હતો.

(2:59 pm IST)