મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

૨૪ કલાકમાં ૬૭૨૦૮ કેસ : ૨૩૩૦ના મોત

૭૧ દિવસ બાદ એકટીવ કેસ સૌથી ઓછા

હાલ એકટીવ કેસ ૮,૨૬,૭૪૭ : ૧ દિવસમાં ૧,૦૩,૫૭૦ રીકવર થયા

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સતત કાબૂમાં જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭ હજાર કેસ નોંધાયા છે. જયારે ૨૩૩૦ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે કોરોનાના એક દિવસમાં ૬૨,૨૨૪ નવા કેસ નોંધાયા હતા જયારે ૨૫૪૨ લોકોના કોરોનાથી મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૭,૨૦૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૦૦,૩૧૩ થઈ ગઈ છે. જયારે એક દિવસમાં ૧,૦૩,૫૭૦ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૮૪,૯૧,૬૭૦ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. મોતના આંકડામાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨,૩૩૦ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મોતનો આંકડો હવે ૩,૮૧,૯૦૩ પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે હવે દેશમાં સતત એકિટવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ૭૧ દિવસ બાદ હવે એકિટવ કેસ ૮,૨૬,૭૪૦ પર પહોંચ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૨૬,૫૫,૧૯,૨૫૧ ડોઝ આપવામાં આવ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના કુલ ૧૯,૩૧,૨૪૯ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ ટેસ્ટનો આંકડો હવે ૩૮,૫૨,૩૮,૨૨૦ થઈ ગયો છે.

ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેર સંપૂર્ણ કાબૂમાં જોવા મળી રહી છે. ગઈ કાલે રાજયમાં એક દિવસમાં ૨૯૮ નવા કેસ નોંધાયા જયારે ૫ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. રાજયમાં ૯૩૫ દર્દી એક દિવસમાં રિકવર થયા.

(11:01 am IST)