મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

હવે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ મૂકાવી શકશે કોરોના રસી!

કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી અને પ્રસુતિ બાદ મહિલાઓના વધુ સંખ્યામાં મોત થયા છે

નવી દિલ્હી,તા. ૧૭: ICMR ના હાલના એક સ્ટડી મુજબ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ કોરોના રસી લઈ શકે છે. કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી અને પ્રસુતિ બાદ મહિલાઓના વધુ સંખ્યામાં મોત થયા છે. ICMR ના સ્ટડીમાં આ ખુલાસો પણ થયો છે.

ગર્ભવતી મહિલાઓ અને બાળકોને જન્મ આપ્યા બાદની મહિલાઓને લઈને ICMR એ સ્ટડી કર્યો છે. આ સ્ટડી કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કરાયો છે. પહેલી લહેરમાં તેમનામાં સિમ્પ્ટોમેટિક કેસ ૧૪.૨% હતા જયારે બીજી લહેરમાં તે વધીને  ૨૮.૭ ટકા થઈ ગયા. એટલે કે વધુ ગર્ભવતી મહિલાઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા.

પહેલી લહેરમાં જયાં મૃત્યુદર ૦.૭ ટકા હતો ત્યાં બીજી લહેરમાં ૫.૭ ટકા થઈ ગયો. બંને લહેરમાં ડેથ રેટ ૨ ટકા રહ્યો. ૧૫૩૦ મહિલાઓ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં પહેલી લહેરની ૧૧૪૩ મહિલાઓ અને બીજી લહેરની ૩૮૭ મહિલાઓ પર સ્ટડી કરાયો. સ્ટડી મુજબ આવામાં રસી લેવામાં જ ફાયદો છે.

ICMR  એ કહ્યું કે આ સ્ટડી કોવિડ-૧૯ વિરુદ્ઘ ગર્ભવતી અને ફિડિંગ કરાવતી મહિલાઓના રસીકરણના મહત્વને દર્શાવે છે. ભારતમાં સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે રસી લેવાની ભલામણ કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) ગત સપ્તાહે ભલામણ કરી હતી કે જો ગર્ભવતી મહિલાઓને કોવિડથી વધુ જોખમ હોય અને તેમને અન્ય બીમારીઓ હોય તો તેમને રસી આપવી જોઈએ.

(10:35 am IST)