મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

જુલાઇથી ૧૦ થી ૧૨ ટકા વધી જશે ટીવી, એસી, લેપટોપ અને ફ્રિજના ભાવ

કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીઓએ ખર્ચમાં વધારાને કારણે ઉત્પાદનની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી,તા. ૧૯: કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીઓએ ખર્ચમાં વધારાને કારણે ઉત્પાદનની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, ટીવી, એસી, લેપટોપ અને ફ્રિજની કિંમતો આવતા મહિને વધશે. કંપનીઓ સતત વધતી ચીજવસ્તુના ભાવ અને આવશ્યક ઘટકોની અછતનો સામનો કરી રહી છે. જેના કારણે હવે તેની સીધી અસર ગ્રાહકો પર પણ પડશે. કોરોના રોગચાળાને લીધે, લેપટોપના ભાવમાં ભારે વધારો થયો છે. કોવિડની બીજી લહેરને કારણે રાજયોમાં લોકડાઉન થયું હતું. હવે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ રિટેલરોની દુકાનો શરૂ થવા માંડી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને પણ ઓછી છૂટ મળશે.

આ વર્ષની શરૂઆતથી જ ટીવી, ફ્રિજ અને લેપટોપ જેવી ચીજોની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવતા મહિને કંપનીઓ કિંમતોમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કરવા વિચારી રહી છે. ભાવમાં વધારા પાછળનું કારણ વિવિધ પરિબળો છે જેમ કે માઇક્રોપ્રોસેસર અને પેનલ્સની અછત, કાચા માલ અને ધાતુના ભાવમાં વધારો. ઇલેકટ્રોનિકસના એક વેપારીએ જણાવ્યું હતું કે પેનલ્સની અછત હોવાથી ભાવમાં વધારો થશે. ટેલિવિઝન મોંદ્યા થશે. તેમણે કહ્યું કે બે વર્ષથી લોકો દ્યરેથી કામ કરી રહ્યા છે. તે જ સમયે, શાળા બંધ થવાને કારણે, બાળકો ઓનલાઇન વર્ગો દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. આને કારણે લેપટોપની ભારે માંગ છે. તે જ સમયે, ભાવમાં પણ ૫ થી ૭ ટકાનો વધારો થયો છે.

બે મહિનાના લોકડાઉન બાદ રિટેલરોની દુકાનો શરૂ થવા માંડી છે. જો કે, હજી વધુ વ્યવસાય થઈ રહ્યો નથી. કંપનીઓ પાસે પૂરતો સ્ટોક છે. બેથી ત્રણ મહિના શોપિંગ ઓછી રહેશે. અન્ય એક રિટેલર્સના જણાવ્યા પ્રમાણે'અનલોક કર્યા પછી રિટેલ છૂટ નહીં આપે.' આવી સ્થિતિમાં, ગ્રાહકોને ઉત્પાદન માટે વધુ પૈસા ચૂકવવા પડશે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સીઈઓ કુમાર રાજાગોપાલે જણાવ્યું હતું કે લાંબા લોકડાઉન બાદ પણ રિટેલરો હજી પણ દુકાનો ખોલી રહ્યા છે. ભાવ વધારો વધુ આગળ વધી શકયો હોત. આ વર્ષે સરકારે ઉર્જા- કાર્યક્ષમતાના નિયમોમાં છૂટછાટ આપી છે.

(10:31 am IST)