મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

જયારે સંસદમાં ગૂંજયો એક જ સવાલ - કયાં છે રાહુલ ગાંધી?

રાહુલની ગૃહમાં ગેરહાજરી પર ભાજપે પૂછ્‍યું, ભારતીય લોકતંત્ર પ્રતિ શું તેમનું આ જ સન્‍માન છે

નવી દિલ્‍હી, તા. ૧૭ : ૧૭મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત સોમવારથી થઈ ગઈ છે. પહેલા દિવસે પ્રોટેમ સ્‍પીકર વીરેન્‍દ્ર કુમારે વડાપ્રધાન મોદી સહિત ગૃહના નવ-નિર્વાચિત સભ્‍યોને સાંસદ પદના શપથ લેવડાવ્‍યા, પરંતુ ગૃહમાં કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી જોવા ન મળ્‍યા. આ દરમિયાન પીએમ મોદી સાંસદના શપથ લીધા બાદ સહી કરવા માટે પ્રોટેમ સ્‍પીકરની તરફ આગળ વધ્‍યો, તો સાંસદોએ પૂછી લીધું- રાહુલ ગાંધી છે ક્‍યાં?

ગૃહમાં રાહુલ ગાંધી ગેરહાજર રહેતાં ભાજપે પણ સવાલ ઉઠાવ્‍યા. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે કહ્યું કે, લોકસભા સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધી ગૃહમાં ક્‍યાં ન દેખાયા. રાહુલની ગૃહમાં ગેરહાજરી પર માલવીયે પૂછ્‍યું કે ભારતીય લોકતંત્ર પ્રતિ શું તેમનું આજ સન્‍માન છે.

આ બધા વચ્‍ચે કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સદનમાં પહેલા જ દિવસે ગેરહાજર જોવા મળ્‍યાં. જેના લીધે અનેક સવાલો પણ ઊભા થયાં. સદનની કાર્યવાહી ચાલી રહી હતી ત્‍યારે જ રાહુલ ગાંધી દિલ્‍હી પાછા ફર્યા હતાં. કહેવાય છે કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી લંડન હતાં. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા પરંતુ કેરળના વાયનાડથી ચૂંટાઈ આવ્‍યાં છે.

રાજીનામાની જીદ પર અડગ રાહુલે કોંગ્રેસને પોતાનું રિપ્‍લેસમેન્‍ટ શોધવા માટે એક મહિનાનો સમય આપ્‍યો છે. આ દરમિયાન રાહુલ પાર્ટીની મીટિંગમાં પણ સામેલ નથી થઈ રહ્યા. તેમની ગેરહાજરીમાં એકે એન્‍ટની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને કોંગ્રેસના વચગાળાના અધ્‍યક્ષ બનાવવાના અહેવાલ પણ ચર્ચામાં છે.

(4:32 pm IST)