મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

વ્યાજખોરોએ લેણા વસુલવા મહિલાને જાહેરમાં ઝૂડી નાખી

 ચંડીગઢઃ પંજાબના મુકતસર જિલ્લામાં વ્યાજે લીધેલી લોનના પૈસા નહિ ચૂકવી શકેલી એક મહિલાને વ્યાજખોરોએ એના ઘરમાંથી બહાર ખેંચી કાઢી, પટ્ટાથી ફટકારી લાતોથી ઢોરમાર માર્યો હતો. ૧૦ આરોપીઓ પૈકી કોંગ્રેસી કાઉન્સિલર સહિત સાતને સ્ત્રી પરના હુમલા બદલ ઝડપી લેવાયા છે. વિપક્ષે રાજયમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

ઘટનાનો વિડીઓ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં આરોપીઓ સામે લોકરોષ ફાટી નીકળ્યો હતો. વિડીયોમાં જણાયાનુસાર, કથિતપણે ચૂકવી નહિ શકાયેલી રૂ.૨૩,૦૦૦ ની લોનના મામલે ૩૫ વર્ષની સ્ત્રીને રસ્તા વચ્ચે ખેંચી જઇને મારવામાં આવી હતી. સ્ત્રીનો પુત્ર લાચારી પૂર્વક એ જોઇને રડી રહ્યો હતો. છોકરો બૂમો પાડતો હતો કે ''મારી માને  મારવામાં આવી રહી છે''. એક હુમલાખોર રસ્તા પર ઢળી પડેલી સ્ત્રીના શરીર પર બેસી ગયો હતો.

આ સ્ત્રીની માતા જેવી જણાતી એક વડીલ સ્ત્રી હુમલાખોરોથી સ્ત્રીને બચાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ વ્યાજખોરોએ એને પણ લાફા ઝીંકીને એક બાજુ હડસેલી દીધી હતી. પોલીસે કહ્યું કે માર ખાનાર સ્ત્રી અને એક આરોપીની પત્ની વચ્ચે દલીલબાજી થઇ હતી. સ્ત્રીએ કોંગ્રેસી મ્યુ.કાઉન્સિલર રાકેશ ચૌધરીના ભાઇ સુરેશ ચૌધરીને રૂ.૨૩,૦૦૦ આપવાના છે.

ઝડપાએલા સાત આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ઘરમાં ઘૂસણખોરી, સ્ત્રી પર હુમલો અને ગુન્હાઇત કાવતરૃં વગેરે બાબત અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો છે. રાજયનાં મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે ઘટનાને વખોડી કાઢીને આવાં હિંસક બનાવોને સાંખી નહિ લેવાનો દ્રઢોચ્ચાર વ્યકત કર્યો છે. ''કાયદાથી  પર કોઇ નથી અને હિંસાને સહી લેવાશે નહિ, એમ એમણે ઉમેર્યું. રાજય મહિલા પંચે આરોપીઓ સામે કડક પગલાં લેવાય એ મુદ્દે ખાતરી કરવા જણાવ્યું છે.

(3:24 pm IST)