મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

મંદીનો એક ખેલાડીઃ કાળો જાદુઃ શેરબજારમાં ૨૩૫ અબજ ડોલરનો ઘટાડો

શેરબજારને ઘટાડવા કાળા જાદુ પાછળ ૮ કરોડનો ધુમાડો કર્યો : રાજકોટના એક સ્‍ટોક બ્રોકરે ગયા સપ્તાહે શેરબજારમાં આવેલા ઘટાડા અંગે સનસનીખેજ દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે

મુંબઇ, તા.૧૭: શેરબજાર તૂટી પડવા માટે શું જોઇએ છે? સદીમાં એકવાર આવતો રોગચાળો? છેલ્લા ૭૦ વર્ષનું સૌથી મોટું યુદ્ધ યુરોપમાં ફાટી નીકળ્‍યું? યુએસ સેન્‍ટ્રલ બેંક દ્વારા બજારમાં સતત નાણાં ઘટાડવા માટે લેવાયેલા પગલાં? અથવા ફુગાવો ઘણા વર્ષોના ઉચ્‍ચ સ્‍તરે જઈ રહ્યો છે? કાળા જાદુ વિશે તમારો અભિપ્રાય શું છે? કાળા જાદુને જાદુના એક સ્‍વરૂપ તરીકે વ્‍યાખ્‍યાયિત કરવામાં આવે છે જેનો ઉપયોગ ખોટા હેતુઓ પૂરા કરવા માટે શૈતાની શક્‍તિઓના સહયોગમાં થાય છે.

એક એવી દુનિયા જ્‍યાં શેરબજારની દૈનિક હિલચાલ કંટાળાજનક નાણાકીય ડેટા, કંપનીઓના નફા-નુકશાન નિવેદનો અને અર્થતંત્ર સાથે સંબંધિત જટિલ ઘટનાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્‍યાં, રાજકોટ સ્‍થિત સ્‍ટોક બ્રોકરે ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે તેણે શેરબજારમાં દિવસભરના ઘટાડા માટે કાળા જાદુ દ્વારા રૂ.૮ કરોડનો ખર્ચ કર્યો હતો.

પટેલ વેલ્‍થ એડવાઈઝર્સના માલિક અને સેબીમાં રજિસ્‍ટર્ડ રિસર્ચ એનાલિસ્‍ટ મિનિષ પટેલે ૧૨ મેના રોજ તેમની ટેલિગ્રામ ચેનલમાં એક પોસ્‍ટ દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્‍યું, ‘શેરબજારમાં આજના ઘટાડા અને છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા માટે અમે જવાબદાર છીએ. તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ અમે બજારમાં ગભરાટ ફેલાવવા માટે કાળા જાદુમાં ૮.૫ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.' મિનિષ પટેલની ટેલિગ્રામ ચેનલ પર ૧૧ લાખથી વધુ સબસ્‍ક્રાઈબર્સ છે.

પટેલે જણાવ્‍યું હતું કે, ‘કાળો જાદુ ખૂબ ખર્ચાળ છે, પરંતુ તે સચોટ અને ઈચ્‍છા-પૂર્તિ પરિણામો આપે છે.' પટેલે દાવો કર્યો હતો કે તેણે કાળા જાદુ દ્વારા ૬ થી ૧૩ મે (૬ ટ્રેડિંગ દિવસો) વચ્‍ચે શેરબજારમાં ઘટાડો કર્યો હતો.

જણાવી દઈએ કે ૬ થી ૧૩ મેની વચ્‍ચે નિફ્‌ટી-૫૦ ૯૦૦ પોઈન્‍ટ્‍સ અથવા લગભગ ૫.૪ ટકાથી વધુ તૂટયો છે. દરમિયાન, નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જમાં લિસ્‍ટેડ શેરોમાં સરેરાશ ૮ ટકાનો ઘટાડો થયો હતો અને રોકાણકારોએ આ છ દિવસમાં આશરે $૨૩૫ બિલિયન ગુમાવ્‍યા હતા.

પટેલના આ દાવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકો આ પર આશ્‍ચર્ય અને ગુસ્‍સો વ્‍યક્‍ત કરી રહ્યા છે, જ્‍યારે ઘણા તેને ફની કહીને હસી રહ્યા છે. પટેલ શેરબજારમાં નવોદિત છે અને બજારમાં ‘બેરિશ પ્‍લેયર' તરીકે ઓળખાય છે.

(10:26 am IST)