મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

૩૫ વર્ષની ખુબસુરત મહિલાએ લગાવ્યો ૯૦,૦૦૦ કરોડનો ચુનો : ફ્રોડ કરી થઇ ફરાર

FBI અને MI5 બલ્ગેરિયાની રૂઝા ઈગ્નાતોવાની શોધમાં : ક્રિપ્ટોકરન્સી તરીકે રજુ થયેલી 'વનકોઇન' કરોડોનું ઉઠમણું કરનારી રૂઝાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું મનાય છે : ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી દુનિયાને છેતરનારી રૂઝા ૨૦૧૭માં નવી સ્કિમ લાવવાની જાહેરાત સાથે ગાયબ

નવી દિલ્હી,તા.૧૭: બલ્ગેરિયાની બિટકોઈન કિલર તરીકે ઓળખાતી રૂઝા ઈગ્નાતોવાએ નાણાંકિય છેતરપિંડી કરવા માટે 'વનકોઇન' નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી. ગ્લેમરસ લૂક અને મનમોહક વ્યકિતત્વથી રોકાણકારોનો વિશ્વાસ જીતનારી રૂઝાએ માત્ર ત્રણ જ વર્ષમાં દુનિયાને રૂપિયા ૯૦ હજાર કરોડનો ચૂનો લગાવ્યો હતો. હાલમાં તેની તપાસ અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઇ તેમજ બ્રિટીશ તપાસ એજન્સી એમઆઇફાઈવ પણ કરી હતી, છતાં તેનો કોઈ પત્ત્।ો નથી.

દુનિયાભરની એજન્સીઓ આજ દિન સુધી 'વનકોઇન'ના ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકી નથી. રૂઝા હાલમા પ્લાસ્ટિક સર્જરી કરાવીને વૈભવી જીવન ગુજારતી હોવાનું પણ મનાય છે. 'વનકોઇન'ની છેતરપિંડીનો શિકાર બનેલા એક રોકાણકારે કરેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂઝા ઈગ્નાતોવા પાસે હાલ ૨.૩૦ કરોડ વનકોઈન છે, જેની માર્કેટ વેલ્યૂ ૧૧ અબજ ડોલર (આશરે ૮૦૬ અબજ રૂપિયા) થવા જાય છે.

ઈ.સ. ૨૦૧૪ની આસપાસ બલ્ગેરિયાની એક કંપની 'વનકોઇન'ની નામની ક્રિપ્ટોકરન્સી લઈને આવી હતી,તેની માલિક ગ્લેમરસ બ્યુટીકિવન જેવી દેખાતી રૂઝા ઈગ્નાતોવા હતી. તે જ પોતાની ક્રિપ્ટોકરન્સીની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી. દુનિયાભરમાં પ્રવાસ ખેડીને તેણે વનકોઈનનો એટલો જબરજસ્ત પ્રચાર-પ્રસાર કર્યો કે બિટકોઈનની ચમક દ્યટી ગઈ અને તેને બિટકોઈન કિલર તરીકે ઓળખાવવામાં આવી.

ઓકસફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી અને જર્મનીની યૂનિવર્સિટીમાંથી પી.એચડી. કરનારી રૂઝાએ ઈ.સ. ૨૦૧૪થી ૨૦૧૬ એમ ત્રણ વર્ષમાં જ વિશ્વભરમાંથી આશરે ૧૨ અબજ ડોલર (આશરે ૯૦ હજાર કરોડ રૂપિયા) ભેગા કર્યા હતા.

બિઝનેસ વર્લ્ડમાં છવાઈ જનારી આ મહિલાની કરન્સી અંગે કેટલીક એજન્સીઓએ રોકાણકારોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેની ચંગુલમાં ત્યાં સુધી ઘણા બધા સપડાઈ ચૂકયા હતા.  આખરે ૨૦૧૭માં નવી સ્કિમ લાવવાની જાહેરાત સાથે જ તે હવામાં ઓગળી ગઈ હતી અને આજે પણ તેના રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યા છે.

(10:20 am IST)