મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

ઇઝરાયલના હવાઈ હુમલામાં 16 મહિલાઓ અને 10 બાળકો સહીત 42 લોકોના મોત : ગાઝા સિટીમાં ત્રણ ઇમારત તબાહ

ખાન યૂનિસમાં અલગ હવાઈ હુમલામાં ગાઝાના સર્વોચ્ચ હમાસ નેતા યાહિયા સિનવારના આવાસને ધરાશાયી

ગાઝા સિટીઃ ઇઝરાયલે રવિવારે ગાઝા સિટી પર કરેલા હવાઈ હુમલામાં ત્રણ ઇમારત નષ્ટ થઈ ગઈ અને ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ પહેલા શરૂ થયેલા સંઘર્ષ બાદ આ સૌથી ભીષણ હુમલો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં મૃત્યુ પામનાર લોકોમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે કહ્યું કે, રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ કહ્યું કે, તેણે દક્ષિણી શહેર ખાન યૂનિસમાં અલગ હવાઈ હુમલામાં ગાઝાના સર્વોચ્ચ હમાસ નેતા યાહિયા સિનવારના આવાસને ધરાશાયી કરી દીધુ. હમાસના વરિષ્ઠ નેતાઓના ઘર પર છેલ્લા બે દિવસમાં આ ત્રીજો હુમલો છે. તો હુમલાને ધ્યાનમાં રાખી હમાસના ઘણા નેતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

(12:00 am IST)