મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

બિહારમાં તેજસ્વી પણ સભ્યોની પરેડ કરાવશે

ગોવામાં કોંગ્રેસ પણ દાવો કરી શકે

નવીદિલ્હી,તા. ૧૭ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અનેક જટિલ સમસ્યાઓ સપાટી ઉપર આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાની મંજુરી મળ્યા બાદ મોટો વિવાદ થઇ ગયો છે. કર્ણાટકમાં એક સાથેઆવેલી કોંગ્રેસ અને જેડીએસ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે બિહાર અને ગોવા સુધી આ મામલો પહોંચી રહ્યો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે વિધાનસભામાં સૌથી મોટા પક્ષના નેતા તરીકે પોતાના ધારાસભ્યોની પરેડ કરાવવાનો નિર્ણય કર્યો છે. આવી જ રીતે ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે દાવો રજૂ કરવા કોંગ્રેસ રાજ્યપાલ પાસે જશે. તેજસ્વીએ બિહારમાં પણ કર્ણાટકના રાજકીય ઘટનાક્રમની જેમ જ ધારાસભ્યોની પરેડ કરાવવા અને ધરણા પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. તેજસ્વીએ કહ્યું છે કે, અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારે એક દિવસ માટે ધરણા પ્રદર્શન કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, બિહારના રાજ્યપાલને પણ આ મુદ્દે વિચારણા કરવા કહેવામાં આવ્યું છે. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ રાજકીય પક્ષોમાં આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. ગોવામાં કોંગ્રેસ પણ સભ્યોની પરેડ કરાવશે.

(7:17 pm IST)