મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

પીએનબી કાંડ : મેહુલ ચોક્સી અને ગીતાંજલિ સામે ચાર્જશીટ

સીબીઆઈ દ્વારા મેહુલ ચોક્સી સામે સકંજો : સીબીઆઈની ખાસ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં અન્ય ૧૬ કંપનીઓની સામે આરોપો મુકાયા : અહેવાલ

નવીદિલ્હી,તા. ૧૬ : તપાસ સંસ્થા સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં અબજોપતિ જ્વેલર મેહુલ ચોક્સી, તેમની કંપની સામે તેની પુરક ચાર્જશીટ આજે દાખલ કરી હતી. ગીતાંજલિ ગ્રુપ હેઠળની તેમની કંપની સામે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં ખાસ સીબીઆઈ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ ૧૬ અન્ય કંપનીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમની સામે આક્ષેપબાજી કરી છે. ચોક્સી અને તેમની કંપની ઉપરાંત તમામ પર ફોજદારી કાવતરા, છેતરપિંડી, પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. મેહુલ ચોક્સી, ગીતાંજલિ ગ્રુપ સામે હવે દિનપ્રતિદિન સકંજો વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. ઘટનાક્રમમાં સીબીઆઈએ પીએનબી કૌભાંડના સંદર્ભમાં તપાસ ચાલ્યા બાદ ફરાર રહેલા આરોપી નિરવ મોદી અને અન્યો સામે કોર્ટમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ મુંબઈમાં સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાઈ છે જેમાં ઉષા સહિત બેંકના અનેક ટોપના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ પીએનબીના કારોબારી ડિરેક્ટર કેવી બ્રહ્માજી રાવ, સંજીવ શરણ અને જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ ઓપરેશન) નેહલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં સીબીઆઈએ નિરવ મોદી, તેમના નિશાલ મોદી અને સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુદી જુદી તપાસ સંસ્થાઓ સીબીઆઈ, ઇડી, ઇન્કમટેક્સ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ હજુ સુધી જુદી જુદી ભૂમિકા બદલ ૨૦ લોકોની ધરપકડ કરી છે. આરોપી જ્વેલર્સ નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. અલબત્ત વિદેશમાં રહેલા આ બંને આરોપીઓએ તેમી સામે કરવામાં આવેલા આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ સત્તાવાળાઓનું કહેવું છે કે, કૌભાંડનો પર્દાફાશ થાય તે પહેલા બંને શખ્સો દેશ છોડીને ફરાર થઇ ગયા હતા. ઇડી અને સીબીઆઈ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ૧૩૦૦૦ કરોડથી પણ વધુનો ચુનો પંજાબ નેશનલ બેંકને નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ લગાવ્યો હોવાના અહેવાલ આવી ચુક્યા છે. પીએનબી કાંડમાં હજુ નવી વિગત ખુલી રહી છે.

(12:00 am IST)