મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરો અને સ્‍માર્ટ સીટીમાં દર ત્રણ કિલોમીટરે ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન નેટવર્ક બનાવવા કેન્‍દ્ર સરકારની યોજના

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરી અને સ્‍માર્ટ સીટીમાં સુવિધા આપવા માટે દર ૩ કિલોમીટરે ઇલેકટ્રીક વ્‍હીકલ ચાર્જીંગ સ્‍ટેશનનું નેટવર્ક બનાવવાની યોજના ઉપર વિચારણા ચાલી રહી છે. વ્યસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દર 50 કિલોમીટરે EV ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

સરકાર EV ચાર્જિંગ સ્ટેશન્સ માટે નાણાકીય પ્રોત્સાહન આપે તેવી શક્યતા છે. ઉપરાંત, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા મ્યુનિસિપલ સત્તાવાળા પાસેથી જમીન મેળવવામાં પણ મદદ કરશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એક અંદાજ પ્રમાણે આગામી 3-5 વર્ષમાં તબક્કાવાર ધોરણે 30,000 સ્લો ચાર્જિંગ અને 15,000 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સની જરૂર પડશે એવો અંદાજ છે. હાઈવે પર દર 50 કિલોમીટરે EV ચાર્જિંગ સ્ટેશન જરૂરી બનશે. ચાર્જિંગ સ્ટેશન્સ માટેની જમીન સ્થાનિક સત્તાવાળા અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટીઝ સાથે ચર્ચા કરી નક્કી કરવામાં આવશે. જેને લાંબા ગાળા માટે કંપનીઓને લીઝ પર આપવામાં આવશે.

NTPC, પાવર ગ્રિડ અને IOC સહિતના PSUs પસંદગીનાં શહેરોમાં ઘણાં સ્થળે ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે તેવી શક્યતા છે. અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર પ્રોજેક્ટ માટે PSUsને સબસિડી આપવાનું વિચારી રહી છે.

NTPCએ મહારાષ્ટ્રમાં તો ચાર્જિંગ સ્ટેશન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાવર ગ્રિડે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, કંપનીએ L&T મેટ્રો રેલ (હૈદરાબાદ) સાથે ઇ-કાર્સ અને ઇ-થ્રી વ્હીલર્સ માટે મેટ્રો સ્ટેશન્સ પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા કરાર કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે તમામ મેટ્રો રેલ કોરિડોર્સમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની યોજના ધરાવે છે.

કંપની ચાલુ મહિને હૈદરાબાદના મિયાપુર અને બાલાનગર મેટ્રો સ્ટેશન્સ ખાતે બે ચાર્જિંગ સ્ટેશન્સ ઊભાં કરશે. તે ગુરુગ્રામ ખાતે થ્રી-વ્હીલર્સ માટે બલ્ક ચાર્જિંગ અને બેટરી સ્વોપિંગ નેટવર્ક વિકસાવવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે મળીને કામ કરશે. કંપની ચાર્જિંગ સુવિધા માટે ચેન્નાઈ મેટ્રો રેલ કોર્પોરેશન સાથે પણ ચર્ચામાં છે.

મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના ઓટો ઉત્પાદકોથી માંડી ઓલા, ઉબર, સરકારી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સને ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં રસ છે. પાવર મંત્રાલયે ગયા મહિને એક નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરી હતી કે, EV ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવા માટે 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા હેઠળ અલગ લાઇસન્સની જરૂર નહીં પડે. પાવર મંત્રાલયે જણાવ્યું હતું કે, બેટરીના ચાર્જિંગમાં ઇલેક્ટ્રિક એનર્જીનું કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે છે. જેમાં ચાર્જિંગ સ્ટેશન દ્વારા વીજળીના વપરાશનો ઉપયોગ કરી વાહનના માલિક પાસેથી આવક મેળવાય છે.

(12:00 am IST)