મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

દેશમાં કોરોના વેક્સિનની અછત નથી : કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીનો વેક્સિન સંદર્ભે દાવો : લોકોએ કોરોના પ્રત્યે દાખવેલી બેદરકારી ભારે પડી રહી છે, સંક્રમણ ચેન તોડવા નિયમોનું પાલન કરવું જરૂરી

નવી દિલ્હી, તા.૧૭ : કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વેક્સીનની કોઈ અછત નથી. તેમણે તમામ રાજ્યો સાથે એક બેઠક યોજી હતી અને તેમાં કહ્યુ હતુ કે, મોટા રાજ્યોને દર ચાર દિવસે અને નાના રાજ્યોને સાત દિવસે વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જો કોઈ રાજ્યને વધારાની વેક્સીનની જરુરિયાત ઉભી થાય તો તે કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી શકે છે. ડો.હર્ષવર્ધને રાજ્યોને કહ્યુ હતુ કે, કોરોના માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને સારૂ એવું ફંડ આપવામાં આવ્યુ છે.

 રાજ્યોએ તે ફંડનો સદુપયોગ કરવો જોઈએ. ઓક્સિજનના સપ્લાય માટે કેન્દ્ર દ્વારા ૩૦ એપ્રિલ સુધીનુ શિડ્યુલ તૈયાર કરાયુ છે અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટ પણે જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે, રાજ્યોને ગયા વર્ષે પણ કોરોનાના દર્દીઓ માટે વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. હાલમાં પણ મહારાષ્ટ્ર, યુપી, ગુજરાત, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યો દ્વારા વેન્ટિલેટર માંગવામાં આવ્યા છે. જે જલ્દી પૂરા પાડવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, લોકોએ કોરોના પ્રત્યે દાખવેલી બેદરકારી ભારે પડી રહી છે. સંક્રમણની ચેન તોડવા માટે કોરોનાના નિયમોનુ પાલન કરવુ બહુ જ  જરુરી છે. ભારતના ૫૨ જિલ્લા એવા છે જ્યાં સાત દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી. ચાર જિલ્લા એવા છે જ્યાં ૨૧ દિવસથી કોઈ નવો મામલો સામે નથી આવ્યો છે. ૪૪ જિલ્લામાં તો ૨૮ દિવસથી કોઈ નવો દર્દી નોંધાયો નથી.

(7:22 pm IST)