મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

રામલલાના ગર્ભાગારની દસે દિશાઓનું રક્ષણ કરશે દસ દેવતાઓ

દિગ્પાલોને મે મહિનામાં ગર્ભાગારમાં સ્થાપિત કરવાની યોજના

અયોધ્યા તા. ૧૭ : રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ટ્રસ્ટ પુરા મનોબળ સાથે કામ કરે છે જેથી રામલલાનું મંદિર સમય પહેલા તૈયાર થઇ જાય. રામલલાના મંદિરની સુરક્ષા માટે મંદિરની દસે દિશાઓમાં દિગ્પાલોને સ્થાપિત કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે જયાં દિગ્પાલો રહેતા હોય તે ભૂમિ, મંદિર અને ઇમારત લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. આ દિગ્પાલોને મે મહિનામાં ગર્ભાગારમાં સ્થાપિત કરવાની યોજના છે.

તો રામમંદિર નિર્માણ માટે મળેલા રર કરોડ રૂપિયાની કિંમતના ૧પ૦૦૦ ચેક બાઉન્સ થયા છે બીજી તરફ અયોધ્યાનગરની ચારે તરફ ૬ર દ્વાર બનાવાઇ રહ્યા છે, આ બધા દ્વાર જોધપુરના પથ્થરોમાંથી બનાવાઇ રહ્યા છે. રામમંદિરના ગર્ભાગારમાં દસે દિશાઓના દેવતાઓ એટલે દિગ્પાલોની મૂર્તિઓ તેમના અસ્ત્રો સાથે વિધીવત પૂજન અર્ચન સાથે સ્થાપિત કરવામાં આવશે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ બધી મૂર્તિઓ મંદિરને દીર્ધકાલીન બનાવવામાં મદદ કરશે. દિગ્પાલોની દસે દસ મૂર્તિઓ રાજસ્થાનમાં તૈયાર કરાઇ રહી છે.

એક જાણકાર અનુસાર મુખ્ય રૂપે ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉતર અને દક્ષિણ છે. ચાર વિદિશાઓ ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે. શાસ્ત્રોમાં ઉર્ધ્વ અને અધો દિશાઓને પણ ગણવામાં આવે છે. આ બધી દિશાઓના અલગ દેવતા હોય છે જેને દિગ્પાલ કહેવામાં આવે છે અને તે બધા પોતપોતાની દિશાઓનું રક્ષણ કરે છે.

(3:05 pm IST)