મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

નરસિંહ મંદિરના પ્રમુખ મહામંડલેશ્વર જગતગુરુ ડૉક્ટર સ્વામી શ્યામ દેવાચાર્ય મહારાજનું કોરોનાના કારણે નિધન

કુંભ મેળા દરમિયાન સ્વામી શ્યામ દેવાચાર્ય થયા હતા સંક્રમિત: મહામંડલેશ્વર સ્વામી શ્યામે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા

 

જબલપુર : મહારાષ્ટ્રની સાથે મધ્યપ્રદેશમાં પણ કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે જબલપુરના નરસિંહ મંદિરના પ્રમુખ મહામંડલેશ્વર જગતગુરુ ડૉક્ટર સ્વામી શ્યામ દેવાચાર્ય મહારાજનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ કુંભમાં ભાગ લેવા માટે હરિદ્ધાર ગયા હતા. અને કુંભમાંથી જ સ્વામી શ્યામ દેવાચાર્ય કોરોના સંક્રમિત થયા હતા.

હાલમાં કુંભ મેળાનો મહોત્સવ ચાલી રહ્યો છે. દેશભરમાંથી હજારો સાધુ-સંતો પણ પહોંચ્યા છે. તો મહામંડલેશ્વર સ્વામી શ્યામ દેવાચાર્ય પણ કુંભ મહોત્સવમાં પહોંચ્યા હતા. અને હરિદ્વારમાં જ તેમને સંક્રમણ લાગ્યું હતું. જ્યારે તેઓ પરત પોતાના આશ્રમ પહોંચ્યા તો શુક્રવારે તેમનું નિધન થયું છે.

મહામંડલેશ્વર સ્વામી શ્યામે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આ છતાં તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું અને નિધન થયું છે. કુંભમાં કોરોના સંક્રમણના રોજ નવા નવા કેસ સામે આવ્યા છે. જેને લઈ નિરંજની અખાડા અને તપોનિધિ શ્રી આનંદ અખાડાએ સંયુક્ત રીતે કુંભ મેળાનું સમાપન કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની દરમિયાન કુંભનું આયોજન કરાયું છે. અને કુંભમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ મામલે અખાડાઓમાં પણ વિવાદ ફેલાયો છે. વૈરાગી અખાડાનો આક્ષેપ છે કે, કોરોના સન્યાસી અખાડાના કારણે ફેલાયો છે.

કુંભ મેળામાં ટેસ્ટિંગ દરમિયાન 50 જેટલા સાધુઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તો છેલ્લી 24 કલાકમાં જૂના નિરંજની અને આહ્વાન અખાડાના સાધુઓ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે કુંભમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે. હરિદ્વારના સ્થાનિક તંત્રએ રેન્ડમ સેમ્પલિંગની કામગીરી વધારી દીધી છે. હરિદ્વારમાં અલગ-અલગ વિસ્તારમાં કોરોનાની તપાસ શરૂ છે.

(10:36 pm IST)