મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

દિલ્હીમાં એક જ ખાટલા પર બે દર્દીની સારવાર થાય છે

કોરોના વાયરસે લોકોને દોડતા કરી દીધા : દિલ્હીની જાણીતી હોસ્પિટલ LNJPમાંથી સામે આવેલા દૃશ્યો સૌ કોઈને કોરોના કેટલો ભયાનક છે તે દર્શાવી દીધું

નવી દિલ્હી, તા. ૧૬  : કોરોના વાયરસની મહામારીએ લોકોને દોડતા કરી દીધા છે. હોસ્પિટલમાં ડિલક્સ રુમ સિવાય ફાવતું ના હોય તેમણે પણ ૧૦થી ૫૦ માણસોની વચ્ચે ખાટલામાં ઊંઘવું પડી રહ્યું છે. આમ છતાં ઘણાં લોકો હોસ્પિટલના મળવાના કારણે કફોડી સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. આવામાં દિલ્હીમાં એક જ ખાટલા પર બે દર્દીઓની સારવાર કરાતી હોવાનું પણ સામે આવ્યું છે. શહેરની સૌથી જાણીતી હોસ્પિટલ એલએનજેપીમાંથી સામે આવેલા દૃશ્યો સૌ કોઈને કોરોના કેટલો ભયાનક છે તે દર્શાવી દીધું છે. આવનારા દિવસોમાં કોરોના વધારે ભયંકર થાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

એક તરફ એલએનજેપી હોસ્પિટલમાંથી સામે આવી રહેલા દૃશ્યો હચમચાવી દેનારા છે તો બીજી તરફ આપ સરકારે દાવો કર્યો છે કે હજુ પણ ૫,૦૯૬ કોવિડ બેડ ખાલી પડ્યા છે. કેજરીવાલ સરકારે ગુરુવારે સાંજે જારી કરેલા આંકડામાં રાજ્યમાં ૫,૫૨૫ બેડમાંથી ૪૨૯ બેડ પર જ દર્દી હોવાનું જણાવ્યું છે. દાવો છે કે દિલ્હીની હોસ્પિટલોમાં ૧૪,૯૧૮ બેડ છે, જેમાંથી ૧૦,૧૩૪ પર દર્દીઓ છે જેમાંથી ૧૦,૧૩૪ પર દર્દીઓ છે, જ્યારે ૪,૭૮૪ બેડ હજુ પણ ખાલી છે. સરકારે જણાવ્યું છે કે ૨૬,૯૭૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

કોરોનાના કારણે દિલ્હીની દુર્દશાની તસવીરો ઘણી જ ડરામણી છે. ધ્યાન રહે કે ગુરુવારે દિલ્હીમાં ૧૬,૬૯૯ દર્દીઓ મળ્યા જ્યારે ૧૧૨ દર્દીઓના મોત થઈ ગયા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કર્યા પછી ફરી બેઠક યોજશે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

ભારતમાં ગુરુવારે સતત બીજા દિવસે ૨ લાખ કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે, અને એક્ટિવ કેસનો આંકડો ૧૫,૦૦૦ને પાર કરી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં વધુ ૨,૧૭,૩૫૩ કેસ સાથે કુલ કોરોના કેસ ૧,૪૨,૯૧,૯૧૭ થઈ ગયા છે. વધુ ૧,૧૮૫ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જેની સાથે કુલ મૃત્યુઆંક ૧,૭૪,૩૦૮ થઈ ગયો છે.

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૧,૧૮,૩૦૨ દર્દીઓ સાજા થતા કુલ કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૨૫,૪૭,૮૬૬ થઈ ગઈ છે.

(12:00 am IST)