મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

ચિંતાના વાદળો ઘેરાયા... વિકાસશીલ રાજયોમાં જ ખટકતો 'કેન્સર'નો કાંટો

અન્ય રાજ્યોના પ્રમાણમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરળમાં સૌથી વધારે લેવાતી સારવારની પોલીસીઓઃ જીવલેણ દર્દ ઘટવાને બદલે દિવસેને દિવસે વધવામાં, આવતા ૨૦ વર્ષમાં દર્દીઓની સંખ્યા બે ગણી વધી જશેઃ મેડિકલ જનરલ લેસેન્ટ ઓનકોલોજીમાં પ્રકાશિત રિપોર્ટમાં વ્યકત થઇ દહેશત

નવી દિલ્હી,તા.૧૭: દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસ, વિકાસના જ ગાણા ગવાઇ રહયા છે, પરંતુ સિકકાની બીજી બાજુની જેમ વિકાસશીલ ગણાતા રાજયોમાં જ કેન્સરરૂપ ખટકતા કાંટાથી દર્દીઓ સહિત પરિવારજનોમાં ફફડાટ પ્રસરવા લાગયો છે.

આ મામલે જાણવા મળ્યાનુસાર એલઆઇસી દ્વારા ગયા વર્ષે લોન્ચ કરાયેલ કેન્સર પોલીસી થકી ખુલવા પામ્યુ છે કે, વિકાસના મોડલ ગણાતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરળ જેવા રાજયોમાં જ સૌથી વધારે કેન્સરની સારવાર માટે પોલીસીઓ લેવાઇ રહી છે...જેમાં છેલ્લા પાંચ મહિનામાં વેચાયેલી કુલ ૮૮,૭૫૦ પોલીસીઓ પૈકી અંદાજે ૫૮.૫ ટકા હિસ્સો મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને કેરળનો રહયો છે.એવી જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં  ૨૬,૨૮૦ અને તામિલનાડુઅને કેરળમાં  ૨૫,૬૭૦ પોલીસીઓ વેચવામાં આવી  હોવાનો ખુલાસો થવા પામ્યો છે.

દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે લોકસભામાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા કેન્સરના આંકડાઓ રજુ થયા હતા.જેમાં ૨૦૧૪માં દેશમાં કેન્સરના ૧૩,૨૮,૨૨૯ દર્દીઓ સામે આવ્યા હતા, પરંતુ આગલા વર્ષે ઘટવાને બદલે વધારા સાથે ૨૦૧૫માં ૧૩,૮૮,૩૯૭ થઇ ગયા હતા...તો, ૨૦૧૬માં પણ વધીને દર્દીઓની સંખ્યા ૧૪,૫૧,૪૧૭ સુધી પહોંચી જવા પામી હતી.આરોગ્ય ક્ષેત્રે જાણકારોનું કહેવું છે કે, સરકાર કેન્સરના રોગને નાથવા માટે રાષ્ટ્રીય આરોગ્ય ફંડ, સ્વાસ્થ્ય મંત્રી કેન્સર રોક ફંડ, રાજય રોગ સહાયતા ફંડ જેવી વિવિધ યોજના થકી દર્દીઓને મદદરૂપ થાય છે, છતા પણ દર વર્ષેને વર્ષે દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારાથી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.વળી, ગયા મહિને મેડિકલ જનરલ લેસેન્ટ ઓનકોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન રિપોર્ટ અનુસાર દેશમાં કેન્સરના ૧૫ લાખ દર્દીઓ સામે આવ્યા છે... પરંતુ જીવલેણ કેન્સરને સદંતરપણે નાથવા માટે જો સત્વરે સચોટ ઉપાય નહિ શોધાય તો આવતા ૨૦ વર્ષમાં દર્દીઓની સંખ્યા બે ગણી થઇ જવાની ચિંતા પણ અત્યારથી જ વ્યકત થવા લાગી છે.આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ અનુમાન લગાડાયુ હતુ કે, સારવાર પછી માત્ર ૩૦ ટકાથી પણ ઓછા દર્દીઓ પાંચ કે એથી વધારે વર્ષ સુધી જીવી શકે છે.(૨-૨૫)

(3:55 pm IST)