મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

ચંદ્રાબાબુ નાયડુના ૨૦મીના ઉપવાસ પર ભાજપ અને વાયએસઆર કોંગ્રેસની પસ્તાળ

અમરાવતી તા. ૧૭ : આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો અપાવવા માટે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ૨૦ એપ્રિલના દિવસે ઉપવાસ પર બેસવાનું એલાન કર્યું છે જેની ભાજપ તથા વાયએસઆર કોંગ્રેસે ટીકા કરી છે.

ખાસ યોજેલી પત્રકાર પરિષદમાં ભાજપ સ્ટેટ પ્રેસિડેન્ટ કમ્ભામપતી હરિબાબુ અને વાયએસઆરસી પોલિટિકલ અફેર્સ કમિટી સભ્ય અંબાતી રામબાબુએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની ઉપવાસની જાહેરાતને વખોડી હતી. ચંદ્રાબાબુ નાયડુએ એપ્રિલ ૧૨ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસને વખોડ્યા હતા અને પોતે ઉપવાસનો બહિષ્કાર કર્યો હતો.

બીજેપીના હરિબાબુએ ટીકાત્મક સૂરમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનના ઉપવાસને ચંદ્રાબાબુએ વખોડ્યા હતા, ત્યારે હવે પોતે ઉપવાસ પર બેસવાની વાત કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચંદ્રાબાબુએ સિંગાપોરમાં એક કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. નાયડુના આ વલણને પણ હરિબાબુએ વખોડ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિદેશની ધરતી પર દેશના વડા પ્રધાનની ટીકા સમગ્ર દેશનું અપમાન છે. નાયડુએ ભાતની ગરિમાને લાંછન લગાડ્યું છે. ભાજપ જેનો ઉગ્ર વિરોધ નોંધાવે છે.

વાયએસઆરના રામબાબુએ પણ ચંદ્રાબાબુની વારંવાર યુટર્ન લેવાની (વાતથી ફરી જવાની) ટેવની આકરી નીંદા કરી હતી.(૨૧.૮)

(10:13 am IST)