મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

એસસી-એસટી કેટેગરી હેઠળની બધી જ્ઞાતિ બિહારમાં મહાદલિત તરીકે ઓળખાશે

પટના તા. ૧૭ : બિહારમાં એસસી અને એસટી કેટેગરી હેઠળ પાસવાન સહિતની બધી કોમના લોકોનો મહાદલિતની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન નીતીશ કુમારે શનિવારે રામ વિલાસ પાસવાનના નેતૃત્વ હેઠળની દલિત સેના દ્વારા ડો. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બાપુ સભાઘરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે બિહાર મહાદલિત વિકાસ મિશન હેઠળની બધી યોજનાનો લાભ એસસી, એસટી સહિત બધી દલિત જ્ઞાતિના લોકોને મળશે.

બિહારમાં એસસી કેટેગરી હેઠળ ૨૨ કોમ પૈકી દુસાત (પાસવાન) સિવાયની ૨૧ કોમનો મહાદલિત કોમની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના પક્ષ તરફથી લાંબા સમયથી દુસાદ કોમનો મહાદલિતની યાદીમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી રહી હતી. એલજેપીના વડા રામ વિલાસ પાસવાન અને તેમના પક્ષના સાંસદ ચિરાગ પાસવાન અને દલિત સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રામ ચંદ્ર પાસવાને પોતાના વકતવ્યમાં મુખ્ય પ્રધાનને પાસવાન કોમને મહાદલિતની યાદીમાં સમાવેશ કરવાની વિનંતિ કરી હતી.

એલજેપીની માગણી પર પ્રતિક્રિયા વ્યકત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ૨૦૦૭ના ઓગસ્ટ મહિનામાં ગરીબો અને દલિતોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના હેતુથી બીએમવીએમની સ્થાપના કરવામાં આવી હતી.

૩૬ તેમણે કરેલી જાહેરાતને ઉપસ્થિતોએ તાળીના ગડગડાટથી વધાવી લીધી હતી. આ પહેલાં ૨૦૧૫માં તત્કાલીન મુખ્ય પ્રધાન જિતન રામ માંઝીએ કેબિનેટની ખાસ બેઠક બોલાવીને દુસાદ (પાસવાન) કોમનો મહાદલિત કોમની યાદીમાં સમાવેશ કરવાની દરખાસ્તને બહાલી આપી હતી.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારે રૂ. ૨૩ લાખના ખર્ચે રાજયમાં દરેક દલિત ટોલા માટે કોમ્યુનિટી શેડ ઊભા કરવાનો નિર્ણય લીધો છે.(૨૧.૮)

(10:13 am IST)